રખડતા ઢોરે આર્મી જવાનનો લીધો જીવ, સરકારની ક્યારે ઉડશે ઉંઘ ?

Webdunia
ગુરુવાર, 26 મે 2022 (13:19 IST)
રાજ્યમાં રખડતા ઢોરને કારણે સેંકડો અકસ્માત થયા છે, જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ અને કેટલાક લોકો મોતને ભેટ્યા છે.  એક તરફ સરકાર આ અંગે બિલ લાવવાનું નક્કી કરે તો માલધારીઓ વિરોધ કરે છે તો બીજી તરફ રખડતા ઢોરોને કારણે વાહનચાલકો અને રાહદારીઓએ તો મુસીબત વ્હોરવાનો વારો આવ્યો છે. કોઇના હાથ પગ ભાંગી ગયા તો કોઇની આંખ ફૂટી ગઇ. અરે રખડતા ઢોરની અડફેટે તો નિર્દોષો પણ મોતને ભેટ્યા. પરંતુ આ મામલે કોઇ કડક કામગીરી ન થતા આવી ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજુ ખબર નહી રખડતા ઢોર કેટલાનો જીવ લેશે 
 
આ વખતે તો રખડતા ઢોરને કારણે બનાસકાંઠામાં આર્મી જવાનનું મોત થતા ભારે ચકચાર મચી છે.  કાંકરેજના અરડુંવાડા પાસે બાઇક પર સવાર આર્મી જવાનના આડે પશુ આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં જવાન અમરતભાઇ માળીનું મોત નીપજ્યુ છે. તેઓ દિયોદરના વડીયા ગામના વતની હતા.  મૃતક આર્મી જવાન આસામમાં પેરાકમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા. રજાઓ હોવાથી આસામથી પોતાના વતન આવ્યા હતા. આસામથી ગાંધીનગર અને ત્યાંથી બાઇક લઇને પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુઃખદ બનાવ બન્યો.
 
 પરિવાર શોકમાં ગરકાવ
આસામમાં ફરજ નિભાવનાર જવાન રજા લઇને ઘરે આવી રહ્યો હતો. ઘરના સભ્યોમાં હરખની લાગણી હતી. કાગડોળે રાહ જોઇ રહ્યા હતા કે તેઓ ક્યારે ઘરે આવે. પરંતુ  પળવારમાં જ આ ખુશીની લાગણી માતમમાં ફેરવાઇ ગઇ.  આર્મી જવાનના મોતની ખબર આવતા પરિવાર માથે આભ તૂટી પડ્યુ. ઘટનાને પગલે  શિહોરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
 

સંબંધિત સમાચાર

Next Article