ખોટા પેઢીનામાથી નવરત્ન બિલ્ડરનું બે હજાર કરોડનું જમીન કૌભાંડ

Webdunia
શુક્રવાર, 4 મે 2018 (12:57 IST)
ખેતીની આવક ઇન્કમટેક્સમાં મુક્તિને પાત્ર છે પણ ઉદ્યોગપતિ, બિલ્ડરો પોતાની બેનંબરની આવકનો છુપો ઉપયોગ કરવા ખેતીની જમીનો ખરીદવા રસ દાખવી રહ્યાં છે.જોકે,ખેડૂત જ ખેતીની જમીન ખરીદી શકે તેવો કાયદો હોવાથી ગુજરાતમાં ખોટા દસ્તાવેજો આધારે ખેડૂત બનવા સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યુ છે તેવો કોંગ્રેસ આક્ષેપ કર્યો છે. અમદાવાદના નવરત્ન ઓર્ગેનાઇઝર એન્ડ ડેવલોપર્સ બિલ્ડર્સના એમડી દેવાંગ દિનેશભાઇ શાહ પણ ખોટા પેઢીનામા આધારે નકલી ખેડૂત બન્યા છે. એટલુ જનહીં, ખેડૂતના ખોટા પ્રમાણપત્રના નામે સાણંદ-બાવળામાં ૨ હજાર કરોડની જમીનો ખરીદી છે.

ગુજરાતમાં ખેડૂત ન હોય તેવા ઉદ્યોગપતિ,બિલ્ડરોને ખેડૂતો બનાવી અબજો રુપિયાના ભ્રષ્ટાચાર ભાજપ સરકાર દ્વારા જ ચલાવવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે,અમદાવાદના બિલ્ડર દેવાંગ દિનેશભાઇ શાહે ખોટુ પેઢીનામુ કરીને જમીનમાલિક ફતાજી ગગાજી પરમારના વારસદાર બની ગયા હતાં. તેઓ મહેમદાવાદ તાલુકાના ગોકુલપુર ગામના સર્વે.નં.૯૨માં ખેડૂત તરીદે દાખલ થયા હતાં. વારસાઇની એન્ટ્રી મંજૂર થાય તે પહેલાં જ દવાંગભાઇ શાહે ખેડૂતના પ્રમાણપત્ર આધારે ૨૦૦૦ કરોડની મિલ્કતો ખરીદી લીધી હતી.

ખોટુ પ્રમાણપત્ર રદ થાય તે પહેલાં દેવાંગ શાહે ફતાજી પરમારની જમીનમાંથી પોતાના હિસ્સો ઉઠાવી લીધો જેથી ખેડૂતનું ખોટુ પ્રમાણપત્ર પકડાઇ જાય નહીં. આ સમગ્ર કૌભાંડની તપાસ થતા ખેડા કલેક્ટરે ૨૦મી માર્ચ,૨૦૧૫ના રોજ મહેસૂલી રાહે જમીનો જપ્ત કરવા મામલતદાર અને નાયબ કલેક્ટર,ખેડાને આદેશ કર્યો હતો.આ ઉપરાંત ખેડા ડીએસપીને પત્ર લખીને દેવાંગ શાહ સામે એફઆઇઆર નોંધી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. શક્તિસિંહ ગોહિલે એવો આરોપ મૂક્યો હતોકે,ભાજપ સરકારની સૂચનાથી આ પ્રકરણમાં ત્રણ વર્ષના અંતે ય કોઇ કાર્યવાહી હજુ સુધી થઇ શકી નથી.હકીકત એછેકે,ભાજપના નેતાઓના આર્શિવાદ અને મોટી રકમની લેતીદેતી થઇ હોવાને લીધે ફોજદારી ફરિયાદ દાખલ થઇ નથી. કોંગ્રેસે માંગ કરી છેકે, ખોટા દસ્તાવેજો આધારે ખેડૂત બનેલાં બિલ્ડર દેવાંગ દિનેશભાઇ શાહ વિરુધ્ધ તાકીદે એફઆઇઆર નોંધવામાં આવે,જમીન ખાલસા કરીને ખેત મજૂરોને આપવામાં આવે. ૨ હજાર કરોડની કિંમતની જમીનો ખરીદનાર બિલ્ડર દેવાંગ શાહની આવકના સ્ત્રોત તપાસ કરવામા આવે,રાજકીય માથાં-સનદી અધિકારીઓનું કાળુ નાણું તો રોકાયેલુ નથી તેની ય તપાસ કરવામાં આવે.સમગ્ર પ્રકરણની હાઇકોર્ટના નિવૃત જજની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવે. નવરત્ન પાર્કને કલમ ૨૯ હેઠળ એકસ્ટ્રા FSI આપી ભાજપ સરકારે મોટો ફાયદો કરાવી આપ્યો હતો ખોટા પેઢીનામા હેઠળ ખેડૂત બનેલાં દેવાંગ શાહના નવરત્ન પાર્કને ૨૦૧૭માં ચૂંટણી વખતે ભાજપ સરકારે વધારાની એફએસઆઈ આપીને કરોડોનો ફાયદો કરાવી આપ્યો હતો તેવો આક્ષેપ શક્તિસિંહ ગોહિલે કર્યો હતો. તેમણે જણાવ્યુ કે,અર્બન સિટી એક્ટમાં એફએસઆઇ આપવા કલમ ૨૯નો ભાગ્યેજ ઉપયોગ કરવામાં આવે છે.પણ દેવાંગ શાહના નવરત્ન પાર્કમાં એનઓસી આપી વધુ એફએસઆઇ આપવા સરકારે કલમ ૨૯ વાપરી મોટો ફાયદો કરાવી આપ્યો હતો તે સાબિત કરે છેકે,આ બિલ્ડરની ભાજપ સાથે સીધી સાંઠગાંઠ છે.

સંબંધિત સમાચાર

Next Article