ગાંધીનગર ખાતે આજે સચિવાલયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ હતી. તેમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે. છેલ્લાં કેટલાંક દિવસથી વિદ્યાર્થીઓની પ્રવાસમાં ગયેલી બસના અકસ્માતમાં સમાચાર સામે આવી રહ્યા છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના પ્રવાસમાં થતા અકસ્માતને રોકવા માટે રાત્રિના 11 થી સવારના 6 કલાક સુધી પ્રવાસ કરી શકશે નહીં. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે આપણે થોડા સમયથી જોઇએ છીએ કે શાળાનાં વિદ્યાર્થીઓને પ્રવાસે લઇ જતા વાહનોને અકસ્માત નડતા અનેક બાળકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમના મોત પણ નીપજ્યાં છે. સરકાર તરફથી બાળકોને સહાય પણ જાહેર કરવામાં આવી છે અને ઇજાગ્રસ્ત બાળકોને સારામાં સારી સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાતનાં 11 કલાકથી સવારે 6 કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. જે બસો રાતે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની તેવું ભવિષ્યમાં ન થાય એટલે રાતે બસો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત બાળકોને રાતે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરશે. નસવાડી પાસે એસટી બસનો અકસ્માત થતાં અંદર વિદ્યાર્થીઓ ફસાતા બૂમાબૂમ કરી છે. ગઇ કાલે જ અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ બસમાં ઉજ્જૈન પ્રવાસમાં જઇને પાછા ફરી રહ્યાં હતાં. ત્યારે જ વહેલી સવારે ગોધરાનાં પરવડી પાસે વિદ્યાર્થીઓથી ભરેલી બસના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ક્લિનરનું મોત નીપજ્યુ હતુ અને 24 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતાં. તદઉપરાંત તે અગાઉ ડાંગ જીલ્લામાં પણ વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં 10 લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સુરતના અમરોલી વિસ્તારના ગુરૂકૃપા ટયુશન કલાસીસના વિદ્યાર્થીઓની બસને ડાંગમાં અકસ્માતમાં 200 ફૂટ ઉંડી ખીણમાં બસ પડી ગઇ હતી. બસને ક્રેઇન અને ટ્રેલરની મદદથી બહાર કાઢવામાં આવી હતી. નીતિન પટેલે ગુજરાતમાં એઇમ્સ રાજકોટમાં સ્થપાશે તેવા અહેવાલો વહેતા થયા હતા તેના ભાગરૂપે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે એઇમ્સ માટે કેન્દ્ર સરકારને બે જગ્યાઓનો સર્વે કરી દરખાસ્ત મોકલી છે, પરંતુ હજુ સુધી જગ્યા ફાઇનલ થઇ નથી.