44 ટકા વાલીઓ આ વર્ષે બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી: સર્વે

Webdunia
મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (19:12 IST)
અમદાવાદની અગ્રણી સીબીએસઈ સ્કૂલ્સમાં સ્થાન ધરાવતી ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રને તાજેતરમાં જ પાંચ હજારથી વધુ વાલીઓનો સર્વે કર્યો હતો જેના રસપ્રદ તારણો જાણવા મળ્યા હતા. હાલની કોવિડ-19 મહામારીની પરિસ્થિતિમાં વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા માંગે છે કે કેમ, ઓનલાઈન શિક્ષણ અંગે તેમનું મંતવ્ય શું છે અને વિદ્યાર્થીઓની પરીક્ષા કેવી રીતે લેવી જોઈએ તે જાણવા માટે આ સર્વે હાથ ધરાયો હતો. કુલ 7,500 વાલીઓને આ સર્વેમાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાંથી 5,100 વાલીઓએ તેમાં ભાગ લીધો હતો.રસપ્રદ બાબત એ છે કે 16 ટકા વાલીઓએ જણાવ્યું હતું કે તેઓ સરકારી શાળાઓ ખૂલ્યાના એક મહિના પછી જ પોતાના બાળકોને શાળાએ મોકલશે. 44 ટકા વાલીઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ એપ્રિલ, 2021થી જ બાળકોને શાળાએ મોકલશે. સર્વેમાં એમ પણ જાણવા મળ્યું કે 66 ટકા વાલીઓ ઓનલાઈન શિક્ષણથી એકદમ સંતુષ્ટ છે અને જ્યાં સુધી કોવિડ-19ની રસી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી પોતાના બાળકોને શાળાએ મોકલવાનું જોખમ ઉઠાવવા તૈયાર નથી. જોકે આઠ ટકા વાલીઓએ ઓનલાઈન શિક્ષણ અંગે અસંતોષ દર્શાવ્યો હતો જ્યારે બાકીના 26 ટકાના મતે ઓનલાઈન શિક્ષણ સારું છે પણ તેને હજુ વધુ સારું બનાવી શકાય તેમ છે.72 ટકા વાલીઓ સહમત થયા હતા ક ઓનલાઈન શિક્ષણથી બાળકોની દિનચર્યા સુધરી છે અને ઓનલાઈન શિક્ષણ ન હોત તો બાળક આખો દિવસ નકામી પ્રવૃત્તિઓમાં જ ટાઈમ પાસ કરતા હોત. પરીક્ષા અંગે પૂછતાં 51 ટકા વાલીઓએ જણાવ્યું હતું કે તેઓ ઓનલાઈન પરીક્ષા લેવાય તે અંગે સંપૂર્ણપણે સહમત છે. 21 ટકા વાલીઓના મતે તેઓ ઈચ્છે છે કે પેન અને પેપરથી જૂની પદ્ધતિએ જ પરીક્ષા લેવાવી જોઈએ પણ બાળકો પોતાના ઘરમાં રહીને પરીક્ષા આપે, સ્કૂલમાં નહીં. આઠ ટકા વાલીઓએ એવો મત પ્રગટ કર્યો હતો કે શાળાઓ ફરીથી નિયમિતપણે શરૂ ન થાય ત્યાં સુધી કોઈ પરીક્ષા ન લેવાવી જોઈએ. આ અંગે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે અમારા 99 ટકા વિદ્યાર્થીઓ પાસે કમ્પ્યૂટર અને ઈન્ટરનેટની સુવિધાઓ છે. વાલીઓ પણ ઓનલાઈન શિક્ષણથી સંતુષ્ટ છે અને એટલે જ તેમને પોતાના બાળકોની સુરક્ષા અંગે ખાતરી ન થાય ત્યાં સુધી શાળાએ મોકલવા માંગતા નથી. ઓનલાઈન શિક્ષણને હજુ વધુ બહેતર બનાવી શકાય છે તેવા પ્રતિભાવોને અમે હકારાત્મકપણે લઈ રહ્યા છીએ. એક ટેક્સેવી સંસ્થા તરીકે અમે બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે આધુનિક ટેક્નોલોજી અમલમાં મૂકવા માટે હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ.
 
 

સંબંધિત સમાચાર

Next Article