સુરતમાં ઘરેથી આપઘાત કરવાના ઈરાદે નીકળેલી મહિલા અને તેના સંતાનને રિક્ષાચાલકે સતર્કતા દાખવીને બચાવી લીધી

Webdunia
બુધવાર, 25 ઑગસ્ટ 2021 (10:21 IST)
સુરતના ઝાપા બજારમાં રહેતી મહિલા પોતાના બાળક સાથે રીક્ષામાં બેઠી હતી. રિક્ષાચાલકને તેને મક્કાઈ પૂલ ખાતે ઉતારવા માટે કહીને તે રીક્ષામાં બેઠી હતી. ઝાપા બજારથી મક્કાઈ પૂલ બ્રિજ સુધી આવતા દરમિયાન તે રસ્તામાં સતત રડતી હતી. રિક્ષા ચાલકે તેને પૂછ્યું કે, બેન કયા કારણસર રડો છો. પરંતુ તેણે કોઈ યોગ્ય ઉત્તર આપ્યો નહીં. રિક્ષાચાલકને શંકા ગઈ કે, મહિલા મક્કાઇપુલ શા માટે જઈ રહી છે. કદાચ તે આપઘાત કરી શકે છે. તેવી શક્યતાને જોતા તે સતર્ક થઈ ગયો હતો.રિક્ષા ચાલકે સમયસૂચકતા દાખવીને મક્કાઈ પૂલ પાસે એ મહિલા નીચે ઉતરે તે પહેલાં જ ત્યાંથી પસાર થતાં એક પોલીસ જવાનને તેણે બોલાવી લીધાં હતાં. પોલીસને સમગ્ર બાબત અંગે અવગત કર્યા કે, મહિલા કદાચ અહીં આપઘાત કરવા માટે આવ્યું છે. મહિલા રિક્ષામાંથી ઉતરી ને બીજી તરફ દોડી જતી હતી. જ્યારે રિક્ષાચાલકે થોડા સમય માટે તેને પકડી રાખી બ્રિજ પાસે જવા દીધી ન હતી.

પોલીસકર્મીને પણ થયું કે, મહિલા આપઘાત કરવા માટે આવી છે.પોલીસ દ્વારા ત્યાંથી પસાર થતી એક પીસીઆર વાનને રોકી લીધી અને ત્યારબાદ સમગ્ર ઘટના અંગે તેમણે પોલીસ અધિકારીને વાકેફ કર્યાં હતાં. મહિલાને તુરંત જ પીસીઆર વાનમાં બેસાડી દેવાઈ હતી. ત્યારબાદ તેને અથવા પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ હતી. મહિલા કોઈ અગમ્ય કારણસર આપઘાત કરવા જતી હોવાનું ચોંકાવનારું વાત બહાર આવી હતી. આખરે તેનું કાઉન્સિલિંગ કર્યા બાદ તેને ઘરે પરત મોકલવામાં આવી હતી.રિક્ષાચાલક મહંમદ અબ્રારે જણાવ્યું કે, રિક્ષામાં બેઠા ત્યારથી મહિલા પોતાના સંતાન અને ખોળામાં લઈને સતત રડી રહ્યાં હતાં. કોઈ કારણસર તેઓ પોતે દુઃખી હોય તેવું લાગતાં હતાં. મેં તેમને પૂછ્યું પરંતુ તેમણે કોઇ યોગ્ય જવાબ આપ્યો નહીં. ઝાપા બજારથી મક્કાઈ પૂલ આવતા મને થોડી શંકા ગઈ કે, મક્કાઈ પૂલ ઉપર આ મહિલા કદાચ આપઘાત કરી શકે છે, અને તેના માટે તાત્કાલિક આ મહિલાને રોકી અને એક પસાર થતા પોલીસ જવાનને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. મહિલા મક્કાઈ પૂલ ઉપર આપઘાત કરવા આવ્યો હોવાનું જાણવા મળ્યું અને મેં થોડી સતર્કતા રાખીને તેમને રોકી લીધી હતી.

સંબંધિત સમાચાર

Next Article