જાણિતા પ્લેબેક સિંગર પાર્થ ઓઝા વિસામો કિડ્સના બન્યા એમ્બેસેડર

Webdunia
બુધવાર, 11 ઑગસ્ટ 2021 (16:30 IST)
ખ્યાતનામ ગાયક, અભિનેતા અને મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ.પાર્થ ઓઝા હવે અમદાવાદ સ્થિત બિન-સરકારી સંગઠન વિસામો કિડ્સના એમ્બેસેડર બની ગયાં છે. અમદાવાદમાં શનિવારના રોજ સંસ્થા સાથે સંલગ્ન શાળાઓ માટે આયોજિત કરવામાં આવેલા વિસામો કિડ્સના થેંક્સગિવિંગ ઇવેન્ટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. રાજેન્દ્ર ખિમાણી તથા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા કૉર્પોરેટ ભગવદ્ ગીતાના લેખક શ્રી પ્રસૂન કુંડુ, કૉર્પોરેટ ટ્રેનર સંધ્યા કુંડુ અને શિક્ષણવિદ્ અમિત ઠાકરની હાજરીમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે આ સમારંભ યોજવામાં આવ્યો હતો.
 
આ જોડાણ અંગે વાત કરતાં ડૉ.પાર્થ ઓઝાએ જણાવ્યું હતું કે, ‘એક ઉમદા હેતુ તરીકે શિક્ષણ મારા હૃદયની ખૂબ જ નજીક છે. મેં ભલે ગાવાના મારા ઝુનૂનને આગળ વધાર્યું હોય પરંતુ મારા પરિવારમાં હંમેશા મારા શાળાના શિક્ષણ અને ગ્રેજ્યુએશનને પૂરાં કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.’ પોતાના પેશનને પામ્યાં પહેલાં ડૉ.પાર્થ ઓઝા મેડિસિનમાં તેમનું ઉચ્ચ શિક્ષણ મેળવી ડૉક્ટર બન્યાં હતા.
 
તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘કેલોરેક્સ ગ્રૂપ દ્વારા સંચાલિત વિસામો કિડ્સ હજારો બાળકોના સપનાં સાકાર કરવા કાર્યસાધક બનવા માટે સતત પ્રયત્નશીલ છે, તે બાબત ખરેખર હૃદયસ્પર્શી છે.’
 
એજ્યુપ્રેન્યોર ડૉ. મંજૂલા પૂજા શ્રોફના સક્ષમ નેતૃત્ત્વ હેઠળ વર્ષ 2002માં સ્થપાયેલ વિસામો કિડ્સ એ અમદાવાદમાં આવેલું એક શેલ્ટર હૉમ છે, જ્યાં 100થી પણ વધુ વંચિત બાળકો પાંચ વર્ષની વયથી રહે છે તથા તેમને શહેરની શ્રેષ્ઠ અંગ્રેજી માધ્યમની શાળાના સહકારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ બાળકો વિસામોમાં જ રહે છે અને ધોરણ 1થી 12 સુધીનું શાળાનું શિક્ષણ પૂરું કરે છે તેમજ સીબીએસઈ, આઇસીએસઈ અને જીએસઇબી જેવા બૉર્ડની શાળાઓમાં ભણે છે.વિસામો અમદાવાદની 22 જેટલી શાળાઓ સાથે જોડાયેલું છે, જેના ભાગરૂપે તેણે વંચિત બાળકોને શિક્ષણ પૂરું પાડવાના તેના પ્રયાસો ચાલું રાખ્યાં છે.પહેલીવાર વિસામો કિડ્સ તેના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડી રહેલી વિવિધ શાળાઓના પ્રયાસોને સન્માનિત કરી રહ્યું છે.
 
વાસ્તવમાં કેટલીક શાળાઓ તો રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અમલી બન્યો તેના ઘણાં સમય પહેલાંથી આ પ્રકારના વંચિત બાળકોને શિક્ષણ આપી રહી છે.આ શાળાઓએ વંચિત બાળકોની ફી માફ કરવાની સાથે-સાથે તેમને પુસ્તકો, સ્ટેશનરી, ગણવેશ અને પરિવહનની સુવિધા પણ વિનામૂલ્યે પૂરી પાડી છે. ઉલ્લેખનીય છે કે, વિસામો કિડ્સનાપ્રયાસોને કારણે અત્યાર સુધીમાં 144 વિદ્યાર્થી સફળતાપૂર્વક તેમનું શિક્ષણકાર્ય પૂરું કરી શક્યાં છે.

સંબંધિત સમાચાર

Next Article