સુપ્રીમના કોલેજિયમે જજ એ. વાય. કોગજે, ગીતા ગોપી, હેમંત પ્રચ્છક અને જજ સમીર દવેની ટ્રાન્સફરની ભલામણ કરી

Webdunia
શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (11:57 IST)
હાઈકોર્ટના 4 જજની બદલી- તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટની કોલજિયમ દ્વારા અલ્હાબાદ હાઇકોર્ટના જજ સુનિતા અગ્રવાલને ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ અને ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જજ આશિષ. જે. દેસાઈને કેરાલા હાઇકોર્ટના ચીફ જજ બનાવવા માટે ભલામણ કરાઈ હતી. જેને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા ગુજરાત હાઇકોર્ટને બીજા નવા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે.

બીજી બાજુ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ અને અન્ય ચાર જજોની બનેલી કોલેજિયમની 3 ઓગષ્ટના રોજ મળેલ મિટિંગમાં દેશની હાઇકોર્ટોમાં જજની બદલીની ભલામણ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના ચાર જજને અન્ય હાઇકોર્ટમાં બદલીની ભલામણ કરાઈ છે. તો પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના જજ અવનીશ જીંગાનની અને આંધ્રપ્રદેશ હાઇકોર્ટના જજ માનવેન્દ્રનાથ રોયની ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાન્સફર માટે ભલામણ કરાઈ છે.ગુજરાત હાઇકોર્ટના ચાર જજ એ. વાય. કોગજે, ગીતા ગોપી, હેમંત પ્રચ્છક અને જજ સમીર દવેની અનુક્રમે અલ્હાબાદ, મદ્રાસ, પટના અને રાજસ્થાન હાઇકોર્ટમાં બદલીની ભલામણ કરાઈ છે. હવે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની ઉપરોક્ત ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા હાઇકોર્ટના જજની બદલીઓ થશે. ઉપરોક્ત ભલામણો 'બેટર એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ' માટે કરાઈ છે.

સંબંધિત સમાચાર

Next Article