ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણીમાં બપોરે 12 વાગ્યા સુધીમાં મતદાનની રસાકસી શરૂ થઈ ચૂકી છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે ભાજપના જ બીજા ઉમેદવાર રમીલાબેન બારા માટે મતદાન કરવા ભાજપના 35 ધારાસભ્યો પહોંચ્યા છે. વિધાનસભા ભવન ફ્લો૨ નં.4 પ૨ મતદાન આજે સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું છે બપોરે 4 વાગ્યે સુધી ચાલશે. ત્યારબાદ 5 વાગ્યાની આસપાસ મતગણતરી પણ શરૂ થઈ જશે અને પરિણામ પણ આવી જશે. બપોર સુધીમાં 172 ધારાસભ્યમાંથી 108 ધારાસભ્યએ મતદાન કર્યું છે. જેમાં કોંગ્રેસના 41, ભાજપના 66 અને NCPના 1 મતનો સમાવેશ થાય છે.NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને પક્ષનો મેન્ડેટ કોંગ્રેસ તરફી મતદાન કરવાનો હોવા છતાં તેણે ભાજપના ઉમેદવારને મત આપ્યો હોય એવી શક્યતા છે. જ્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસ છોટુ વસાવાને મનાવવા માટે હવે મેદાનમાં આવી છે. કોંગ્રેસના આગેવાનો છોટુ વસાવાના નિવાસસ્થાને પહોંચ્યા છે. જેમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, અનિલ જોશીયારા, નિશિત વ્યાસ સહિતના છોટુ વસાવાને મળશે. BTPના બે મત મેળવવા ભાજપ અને કોંગ્રેસ દોડધામ કરી રહ્યાં છે. છોટુ વસાવાના મત અંગે કોંગ્રેસના રાજીવ સાતવે જણાવ્યું છેકે, બધા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઇ છે. શિડ્યૂલ 5 વાળા મુદ્દે પણ વાત કરી છે. અમારા બન્ને ઉમેદવારો જીતશે. એમનો સાથ અમને મળશે.