દલિત સમાજ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનના સમર્થનમાં કોંગ્રેસે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા છે. તેમજ રાજકોટમાં ઠેર ઠેર પોલીસ બંદોબ્સત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઉતારવામાં આવ્યો છે. ત્યારે સુપ્રિમ કોર્ટના ચુકાદાને લઇ ચુકાદો આપનાર જજ ઉદય અને લલિત હોવાથી ઉદય લલિત તમારો બાપ છે દલિતના નારા લગાવ્યા હતા અને દલિત સમાજ અને કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધ કરાવવા નીકળ્યા છે.
ચુકાદાની હોળી કરી હતી. બંધના એલાનમાં 9 વર્ષની બાળકી યુક્તિ રાઠોડ પણ જોડાઇ અને કહ્યું કે, અન્યાય સહન નહીં કરીએ. રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે એસટી બસમાં ત્રણથી ચાર શખ્સોએ પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. ભાવનગરથી માતાના મઢ તરફ એસટી રૂટની બસમાં સોરઠિયાવાડી પાસે પથ્થરમારો કરી કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ ઘટના ગઇકાલે મોડી રાત્રે બની હતી. જો કે આ બનાવમાં કોઇ જાનહાનિ થવા પામી નથી. દલિત સમાજ અને કોંગ્રેસ દ્વ્રારા બંધના એલાનમાં કાલાવડ રોડ પર આવેલો ક્રિસ્ટલ મોલ બંધ કરાવવામાં આવ્યો છે. એસસી, એસટીના યુવાનો દ્વારા મોલ બંધ કરાવવામાં આવ્યો છે. હાલ મોલ બહાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.