ગુજરાતમાં બારે મેઘ ખાંગાઃ ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિઃ ડાંગના 30 ગામ સંપર્ક વિહોણા

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2019 (12:26 IST)
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં 11.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં પણ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજકોટમાં અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કઢાયા હતા.

હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતી ઉદભવી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં 11.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં પણ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદ પગલે વલસાડ જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિત છે. અને અનેક કોઝ વે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. જ્યારે ડાંગમાં 30 ગામ અને વલસાડના 20 હજાર લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે.

રાજકોટ જિલ્લાના હડમતિયામાં ધોધમાર 4થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે કંકાવટી નદી બે કાંઠે વહેવા લાગી છે. હડમતિયાના ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે. જેને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 8.5 ઈંચ વરસાદ પડ્યો છે અને હજુ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક સ્થળે રસ્તાઓનું ધોવાણ થયું છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદ વરસતા ઘરોમાં પાણી ભરાયા હતા. 
પાણીનો ઘરમાં ભરાવો થતા ઘરવખરી પલળી ગઈ હતી. ભારે વરસાદના કારણે રાજકોટ શહેરમાં ગરનાળા બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના લક્ષ્મીનગર અને મોદી સ્કૂલ પાસે આવેલા ગરનાળા બંધ કરાયા હતા. કેટલાક વિસ્તારમાં તો એટલો ધોધમાર વરસાદ પડ્યો હતો કે લોકોના ઘરોમાં 4 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા હતા. સામાકાંઠે 6 ઈંચ, મધ્ય રાજકોટમાં પોણા 6 ઈંચ, કાલાવડ રોડ વિસ્તારમાં 5 ઈંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાયા છે.


છેલ્લા 24 કલાકથી અવિરત પડી રહેલા વરસાદના પગલે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. થરાદના બસ મથક સહિત અનેક જગ્યાઓ પાણીમાં ગરક થઈ. વાવના નીચાણવાળા વિસ્તારો તેમજ મોરીખા અને માડકા ગામના ઘરોમાં પાણી ફરી વળતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાવ-થરાદ પંથકમાં 10 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. અનેક ગામો પાણીમાં ગરકાવ છે. ખેતરો ટાપુમાં ફેરવાઈ ગયા છે. સરકારે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. વાવના માડકા ગામ જવાના માર્ગે આવેલી કેનાલ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ના કરાતાં કેનાલો પણ તૂટી ગઈ હતી.

સંબંધિત સમાચાર

Next Article