ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરગ્રસ્તો માટે ૨ લાખ જેટલા ફૂડ પેકેટ મોકલાયા

Webdunia
ગુરુવાર, 27 જુલાઈ 2017 (09:57 IST)
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરની સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ૨ લાખ જેટલા ફૂડ પેકેટ અને ૪૫ હજાર પાણીના પાઉચ પુરગ્રસ્તો માટે રવાના કર્યા છે. જેમાં ૧.૩૫ લાખ ફૂડ પેકેટ બનાસકાંઠા પુરગ્રસ્તો માટે અને ૫૮ હજાર જેટલા ફૂડ પેકેટ પાટણ જિલ્લાના પુરગ્રસ્તો માટે મોકલવામાં આવ્યા છે. 

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘ તાંડવના કારણે અનેક લોકો બે ઘર બન્યા છે. પુરના પાણીમાં ફસાયેલા છે. આવા લોકોને મદદ કરવાના ઉમદા આશયથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરીને પુરપીડિતો માટે ફૂડ પેકેટ મોકલવાની વ્યવસ્થા કરી છે. આ ઉમદા કાર્યમાં ગાંધીનગર શહેરની સામાજિક, ધાર્મિક અને અન્ય સેવાભાવી સંસ્થાઓ સ્વયંભૂ પુરગ્રસ્તોને મદદ કરવા માટે આગળ આવી છે. ખૂબ જ ટુંકા સમયમાં સંસ્થાઓ દ્વારા સુખડી, બુદી, ગાંઠિયા, તીખીપુરી, બિસ્કિટ જેવી ચીજવસ્તુઓ બનાવી આપવામાં આવી છે. જેને પેકીંગ કરીને પણ આપવામાં આવી છે. આ તમામ ફૂડ પેકેટને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર શ્રી સતીશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.પી.દેસાઇના માર્ગદર્શન હેઠળ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ગઇકાલે સવારના બનાસકાંઠા પુરગ્રસ્તો માટે ૫૬ હજાર ફૂડ પેકેટની બે ટ્રકો રવાના કરવામાં આવી હતી. તેમજ મોડી રાત્રે પણ ૭૯ હજાર ફૂડ પેકેટ અને ૨૫ હજાર પાણીના પાઉચ ભરેલી ટ્રકો રવાના કરવામાં આવી હતી. આજે બપોરના ૩.૦૦ કલાકે જિલ્લા કલેકટર શ્રી સતીશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.પી.દેસાઇએ ૫૮ હજાર જેટલા ફૂડ પેકેટ ભરેલી ત્રણ ટ્રકો પાટણ જિલ્લાના પુરગ્રસ્તો માટે રવાના કરી હતી. 

ગાંધીનગર જિલ્લાની ધાર્મિક, સામાજિક અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પુરગ્રસ્તો માટે મોટી સંખ્યામાં ફુડ પેકેટ મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ હવે, ત્યાં ફૂડ પેકેટ કરતા અસરગ્રસ્ત પરિવારોને સૂકી સામગ્રીની જરૂરી છે, જેથી ગાંધીનગર જિલ્લાની સેવાભાવી સંસ્થાઓને સૂકી સામગ્રી આપવા જિલ્લા કલેકટર શ્રી સતીશ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે. 

આ કિટૂસમાં ૧ કિલોગ્રામ ઘઉંનો લોટ, ૧૦૦ ગ્રામ મીઠું, ૨૫ ગ્રામ મરચું, ૨૫ ગ્રામ હળદર, ૧૦૦ ગ્રામ ચા, ૫૦૦ ગ્રામ ખાંડ, ૨૫૦ ગ્રામ દાળ, ૫૦૦ ગ્રામ ચોખા, ૫૦૦ ગ્રામ તેલ, ૧ માચીસ બોક્સ, ૨૫ ગ્રામ રાઇ, ૨૫ ગ્રામ જીરૂ, ૨૫ ગ્રામ હીંગ, ૧ જોડી સ્લીપર, ૧ બ્રશ, ૧ નાનો સાબુ, ૨૫ દૂઘ પાઉડરના નાના પાઉચ, ૧ કિલોગ્રામ ડુંગળી, ૧૦૦ ગ્રામ લસણ, ૫ પાણીના પાઉચ અને ૧૦૦ ગ્રામ આદુનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારની કિટૂસ તૈયાર કરવા માટે સર્વે સંસ્થાઓને કલેકટર શ્રી સતીશ પટેલે અપીલ કરી છે. પુરગ્રસ્ત પરિવારોને આવી કિટૂસની વધુ જરૂરિયાત હોવાથી આ પ્રમાણેની કિટૂસ બનાવી આપવાની અપીલ કરી છે. આવી કિટૂસ આપવા ગાંધીનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, ફોન નંબર- ૦૭૯- ૨૩૨૫૯૧૮૨ અને ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ફોન નંબર ૦૭૯- ૨૩૨ ૫૬૭૨૦ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
Next Article