ગુજરાતમાં વરસાદ ખેંચાવાથી ખેડૂતો ચિંતિત થયા હતાં તો બીજી બાજુ લોકો પણ અસહ્ય બફારાને લીધે ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતાં. ત્યારે મેઘરાજાએ ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે શુક્રવારે પધરામણી કરી હતી. રાજ્યના ત્રણે ઝોનમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વાવાઝોડા સાથે ત્રાટકી પડેલા વરસાદને કારણે વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી લોકોને ગરમીમાં રાહત મળી હતી. અનેક સ્થળે વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં 1 ઈંચ જ્યારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તોફાની પવન સાથે અડધોથી પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, ભાવનગર, રાજકોટ અને અમરેલી પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. પોરબંદરના બરડા પંથકના રોજીવાડા, સીમર અને ભોમિયાબદરમાં ધોધમાર 2થી 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં અડધો અને ઘોઘામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. જામનગરના ભાણવડમાં 1,લાલપુરમાં અડધો ઇંચ વરસાદ, ખંભાળિયામાં ઝાપટા પડયાં હતાં.
અમદાવાદમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદે વરસવાનું શરૂ કરી દીધુ. ભારે પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિગ ડોલવા લાગ્યા હતા. અચાનક ઝાપટું શરૂ થતા શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. આ વખતે સિઝનનું ચોમાસુ મોડું શરૂ થતા લોકો ગરમીથી ત્રસ્ત થયા હતા. જો કે, દેશના પશ્ચિમ ઝોનમાં ધીમી ધારે વર્ષારાણીની પધરાણી થઇ ગઇ છે. જો કે, સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદે હાઉકલી કરીને વિરામ લીધો છે જ્યારે દક્ષિણ ગુજરાત પ્રાંતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે.બોડેલી તાલુકાના જાંબુગામમાં તોફાની પવન સાથે આવેલા વરસાદને કારણે અનેક મકાનોના છાપરા ઉડ્યાં હતાં. સાવલીમાં પણ અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. સાવલીથી ભાદરવા રોડ પર બાઈક પર જતા મડાપુરા ગામના લક્ષ્મણભાઇ પર વૃક્ષની ડાળી પડતા માથાના ભાગે ગંભીર ઇજા વડોદરા ખસેડાયા છે.