અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગતરાત્રિએ ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. સુરત તરફ જઈ રહેલી બસમાં આગ લાગવાના કારણે બસમાં ઊંઘી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી હતી. બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતા મોત થયું છે. જ્યારે અન્ય મુસાફરો પણ દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે 'આપાગીગાના ઓટલા' પાસેથી પસાર થઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની ચાલુ બસમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. બસ ઉભી રાખી દેવાતા મુસાફરો નીચે ઉતરવા લાગ્યા હતા. જો કે, બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરો દાઝી જતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ચોટીલા પાસે પરોઢિયે બનેલા આગના બનાવમાં 70 વર્ષીય વૃદ્ધાનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નિપજ્યું છે. મૃતક વૃદ્ધા નોઈડાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આગનું કારણ FSLની તપાસ બાદ જાણવા મળશે.ચોટીલા પાસે જે બસમાં આગનો બનાવ બન્યો છે તે GJ14 Z 9472 નંબરની બસ સુરત તરફ જઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. બસમાં આગની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતમાં દાઝી ગયેલા મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.