પ્રેમસ્વરૂપ સ્વામી સોખડા સ્વામિનારાયણ મંદિર નવા ગાદીપતિ બન્યા

Webdunia
સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (16:56 IST)
હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિ અંગે ગઈકાલે 26 સપ્ટેમ્બરે દિવસભર ચર્ચા થઇ રહી હતી. વડોદરાના સ્વામિનારાયણ સોખડા હરિધામમાં ગાદી મુદ્દે વિખવાદ વધ્યો હતો. અહીં સંતો-હરિભક્તો વચ્ચે જૂથબંધીનો આક્ષેપ થયા હતા. સોખડાની ગાદી પર પ્રેમસ્વરૂપદાસ સ્વામીને આરૂઢ કરવાના કાર્યક્રમમાં જૂથબંધીને કારણે વિવાદ થયો હતો અને હરિભક્તોના હોબાળા બાદ કાર્યક્રમ મુલતવી રખાયો હતો. આ કાર્યક્રમમાં હરિભક્તોએ મોડી રાત સુધી સ્વામિનારાયણની ધૂન બોલાવી કર્યો વિરોધ હતો
 
એ બાબતે સ્પષ્ટતા કરતાં હરિધામ મંદિરેથી પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધજીવન સ્વામીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે 26 સપ્ટેમ્બરે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અંતર્ધાન થયાનો દ્વિમાસિક સ્મૃતિદિન હોવાથી તેની પૂર્વસંધ્યાએ સ્મૃતિસ્થાને શાંતિથી દર્શન – ભજન થઈ શકે તે માટે કેટલાક ભક્તો એક દિવસ અગાઉ હરિધામ પહોંચ્યા હતા. ઉપસ્થિત ભક્તોમાંથી કેટલાક આગેવાન હરિભક્તોએ હરિધામ પરંપરાના ગાદીપતિ બાબતે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જેને વડીલ સંતો – હરિભક્તોની ઉપસ્થિતિમાં સાંભળવામાં આવી હતી
 
એ પ્રમાણે 25 સપ્ટેમ્બરે સાંજે પહેલાં ‘સ્વામિનારાયણ ‘ મહામંત્રની ધૂન કર્યા બાદ કેટલાક ભક્તોએ વડીલો પાસે પોતાની વાત મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ભક્તોએ વિવેકપૂર્વક રજૂ કરેલી લાગણી વડીલ સંતોએ શાંતિથી સાંભળી છે. હરિધામ પરંપરાના સૂત્રધારનો નિર્ણય પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જીવનપર્યત આપેલા આત્મીયતા તેમજ સંપ , સુહૃદભાવ , એકતા અને દાસત્વના ઉપદેશને દ્રષ્ટિમાં રાખીને જ કરવામાં આવશે તે સ્પષ્ટ છે.

સંબંધિત સમાચાર

Next Article