સુરતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ એક જ અપાર્ટમેન્ટમાં કેસ મળતા હોવાનું સામે આવ્યું છે. જેમાં છેલ્લા એક અઠવાડિયામાં અઠવા અને પાલ વિસ્તારના બે એપાર્ટમેન્ટ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અઠવાના મેઘમયુર એપાર્ટમેન્ટમાં 9 કેસ અને પાલના સુમેરુ સિલ્વર એપાર્ટમેન્ટમાં પણ 9 કેસ સામે આવ્યા છે. જેના પગલે બંને એપાર્ટમેન્ટને પાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. એપાર્ટમેન્ટ સીલ કરવાના લીધે 408 લોકોને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકી પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.
અઠવાલાઇન્સ ઝોનના ઈન્ડોર સ્ટેડિયમ પાસે આવેલા મેઘમયુર એપાર્ટમેન્ટમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કુલ 9 કેસ મળતાં એરપાર્ટમેન્ટને સીલ કરાયું છે. આ એપાર્ટમેન્ટનું એક વૃદ્ધ દંપતી ધાર્મિક કાર્યક્રમમાં જતાં ત્યાંથી સંક્રમિત થયું હતું, જેમનો ચેપ વોચમેનને લાગ્યા બાદ બાકીના 6 સભ્યો પોઝિટિવ થયા હતા. પાલિકાએ અઠવા-રાંદેર મળી કુલ 26 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેના કારણે મેઘમયુર એપાર્ટમેન્ટના 168 રહીશો 14 દિવસ માટે ઘરની બહાર નીકળી શકશે નહીં.રાંદેર ઝોનમાં પાલ રોડના સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટમાં 10થી 14 વર્ષના 3 બાળક સહિત 9 કેસ છેલ્લા અઠવાડિયામાં પોઝિટિવ નોંધાયા છે. જેને પગલે આ એપાર્ટમેન્ટ સીલ કરી દેવાયું છે. કેસ વધતા એપાર્ટમેન્ટમાં બાકી રહેલા 47 રહીશોએ 4 જ દિવસમાં રસી લઈ લીધી છે. જ્યારે અન્ય બાળકોના ટેસ્ટ કરતા 77 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલા બાળકો ઓનલાઈન ભણે છે પણ સોસાયટીના ગણેશોત્સવમાં જમણવારમાં ગયા હતા.સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટમાં કોરોનાના 9 કેસ મળતા ગાઇડ લાઇન પ્રમાણે પાલિકાએ ક્લસ્ટર જાહેર કરી રહીશોને ક્વોરન્ટીનમાં રહેવા સૂચના આપી છે અને એપાર્ટમેન્ટને સીલ મરાયું છે. દૈનિક ધનવંતરી રથ થકી ટેસ્ટિંગ કામગીરી પણ કરાઈ છે ત્યારે કેદી જેવી સ્થિતિમાં મુકાયેલા રહીશોએ રવિવારે પાલિકાના કર્મચારીઓ સાથે જીભાજોડી કરી હતી અને બેરિકેટ ખોલવા પણ કહ્યું હતું પરંતુ નાયબ આરોગ્ય અધિકારીએ જઇને કોરોનાની સ્થિતિ ગાઇડ લાઇનનું પાલન અંગે સમજાવતાં માંડ માંડ મામલો થાળે પડ્યો હતો.