ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકીય ઘમાસાણ શરૂ થયું છે.રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના નેતા રિવાબા જાડેજાએ પોતાના જન્મદિવસે જામનગર જિલ્લાના કુનડ ગામમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતુ. આ કેમ્પમાં રિવાબાએ કોરોના મુદ્દે નિવેદન આપતા કહ્યું હતુ કે, કોરોના હજુ ગયો નથી અને લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. કોરોનામાં લોકો બેદરકાર બન્યા છે.
આ મુદ્દે જાડેજાના બહેન અને જામનગર કોંગ્રેસના મહિલા પ્રમુખ નયનાબા જાડેજાએ રીવાબાના નિવેદનનો વળતો જવાબ આપતા કહ્યું હતું કે,લોકોને સભા કરવાનો શોખ નથી,દોષ દેવાનું બંધ કરો. ઉલ્લેખનીય છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના નેતા રિવાબા જાડેજા અને તેમના નણંદ અને જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ નયનબા જાડેજા વચ્ચે કોરોના મુદ્દે શાબ્દિક યુદ્ધ છેડાયું છે.કુનડ ગામ ખાતે કેમ્પમાં રીવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમજ બેદરકારીને કારણે કોરોના ફરી આવી શકે છે ત્યારે માસ્ક,સોશિયલ ડિસટન્સ સાથે કોરોનાની ગાઇડલાઇનનું દરેક વ્યક્તિએ પાલન કરવું જરૂરી છે. રિવાબાના આ નિવેદનનો તેમના નણંદ અને જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ નયનાબા જાડેજાએ વળતો જવાબ આપતા રાજકારણ ગરમાયું છે.
આ અંગે રવિન્દ્ર જાડેજાના બહેન અને કોંગ્રેસના મહિલા પ્રમુખ નયનાબા જાડેજાએ રીવાબાના નિવેદનનો વળતો જવાબ આપતા કહ્યું હતું કે ભાજપ દ્રારા રાજકીય મેળાવડાઓ કરવાના કારણે કોરોના ફેલાય રહ્યો છે.લોકો જાગૃત છે અને ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે.ભાજપના નેતાઓએ કોરોના ફેલાવા પાછળ દોષનો ટોપલો લોકો પર ન ઢોળવો જોઇએ અને રાજકીય મેળાવડાઓ બંધ કરવા જોઇએ. તેમણે તાજેતરમાં જ કેવડિયા ખાતે મળેલી પ્રદેશ ભાજપની કારોબારીનો ઉલ્લેખ કરતા ભાજપ પર નિશાન સાંધ્યું હતું.