PM મોદી અમદાવાદ, જૂનાગઢ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવશે

Webdunia
શનિવાર, 7 માર્ચ 2020 (13:03 IST)
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 માર્ચે એમ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, વડોદરા, કેવડિયા કોલોનીના સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને જૂનાગઢ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન રાજ્ય સરકારની દિવસે ખેડૂતોને વીજળી આપવાની યોજના તથા અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક કાર્યક્રમ માટે સંબંધિત જિલ્લાના કલેક્ટરોને સૂચના આપી દેવાઇ છે. બે દિવસના આ પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન રોકાશે અને રાત્રિના સમયે રાજ્યના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત પણ કરશે. તે ઉપરાંત વડોદરામાં કેન્દ્ર સરકારની કન્સ્ટ્રક્શન મજૂરો તથા અન્ય મજૂરો ઉપરાંત આવાસ યોજનાને લગતાં કાર્યક્રમોનું લોંચિંગ પણ વડાપ્રધાનના હાથે કરવામાં આવશે. ત્યારબાદ તેઓ કેવડિયા કોલોની ખાતે આવેલાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ઊભાં કરાયેલાં નવા પ્રોજેક્ટ્સની પણ મુલાકાત લેશે. 24 ફેબ્રુઆરીએ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમ અને રોડ શો યોજ્યો હતો. તે દરમિયાન મોદી અગાઉથી આ કાર્યક્રમોમાં હાજરી આપશે તેવી ચર્ચા ચાલી હતી.

સંબંધિત સમાચાર

Next Article