રાજકોટમાં PGVCLએ વિદ્યુત સહાયકની પરીક્ષા લીધા બાદ ભરતી ન કરતાં ઉમેદવારો 24 કલાકથી ધરણાં પર

Webdunia
શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2024 (18:03 IST)
-  1 વર્ષ સુધી ભરતી ન કરતા 6 હજારથી વધુ બેરોજગાર
- છેલ્લાં 24 કલાકથી 100થી વધુ ઉમેદવારો ધરણાં પર 
-361 જગ્યાઓની માહિતી ખોટી હોવાનું


PGVCL in Rajkot-રાજકોટમાં PGVCL દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લીધા બાદ 1 વર્ષ સુધી ભરતી ન કરતા 6 હજારથી વધુ બેરોજગાર યુવાનોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે રાજકોટની કોર્પોરેટ ઓફિસની બહાર છેલ્લાં 24 કલાકથી 100થી વધુ ઉમેદવારો ધરણાં પર બેઠા છે. PGVCLના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કટારા દ્વારા ઉમેદવારને RTIમાં બતાવેલી 361 જગ્યાઓની માહિતી ખોટી હોવાનું સાબિત કરતા આશ્ચર્ય જનમ્યું છે.

ત્યારે પ્રદેશ NSUIના પ્રમુખ ઉમેદવારોની સાથે ધરણાં પર બેઠા છે અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી. તો રામધૂન બોલાવતા ઉમેદવારોએ મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવાનું એલાન કર્યું હતું અને ઉર્જા મંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા.આ અંગે ઉમેદવારોએ જણાવ્યું હતું કે, અમારી એક જ માંગ છે કે વર્ષ 2023માં PGVCL દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી.

જે બાદ ઉમેદવાર મયુરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી RTIમાં માહિતી મળી છે કે, 361 જગ્યાઓ ખાલી છે. તો આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવે. અહીં આવેલા ઉમેદવારોમાં મોટાભાગનાને 90 જેટલાં માર્કસ છે. વિજ પોલ પર ચડી રિપેરિંગનું કામ કરવા માટે સૌથી જુનિયર પોસ્ટ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવે છે. આ પોસ્ટ માટે ઉમેદવારોએ ખૂબ મહેનત કરી સારા માર્કસ મેળવી લાવ્યા છે, પરંતુ પરીક્ષાના 1 વર્ષ બાદ પણ ભરતી કરવામાં નથી આવી.

સંબંધિત સમાચાર

Next Article