ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંત શુક્રવારે સવારે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ઋષભની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ડિવાઇડર સાથે અથડાઈ હતી. દુર્ઘટનાની પ્રારંભિક તસવીરોમાં તેમને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હોવાનું દેખાઈ રહ્યું છે.
હરિદ્વારના એસએસપી અજયસિંહે બીબીસીને જણાવ્યું, “સવારે સાડા પાંચ-છ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઋષભ પંતની કાર ડવાઇડર સાથે અથડાઈ હતી. આગળનો કાચ તૂટી ગયો અને તેઓ બહાર નીકળી ગયા. ગાડીમાં આગ લાગી હતી. પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ લાઇફ સપોર્ટવાળી ઍમ્બ્યુલન્સ બોલાવીને તેમને દેહરાદૂન મૅક્સ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.”
પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે ટ્વીટ કરીને જણાવ્યું કે ઋષભ ઠીક છે અને કોઈ ગંભીર ખતરો નથી. લક્ષ્મણે ઋષભને જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.
<
Praying for Rishabh Pant. Thankfully he is out of danger. Wishing @RishabhPant17 a very speedy recovery. Get well soon Champ.
અકસ્માત બાદ ઈજાગ્રસ્ત ઋષભને સારવાર માટે રૂરકીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમને માથાના ભાગે અને પગમાં ઈજા પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઋષભ દિલ્હીથી રૂરકી પોતાના ઘરે જઈ રહ્યા હતા.
મને યાદ છે કે એક ઝોકું આવ્યું અને...
સવારે અંદાજિત સાડા પાંચ વાગ્યે થયેલા અકસ્માત બાદ 108 ઍમ્બ્યુલન્સમાં ઋષભને નજીકના હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યાં ઑર્થોપેડિક સર્જન અને હૉસ્પિટલના ચૅરમેન ડૉક્ટર સુશીલ નાગરે તેમની સારવાર કરી હતી.
ડૉક્ટર નાગરે બીબીસીને જણાવ્યું કે તેમના હૉસ્પિટલમાં ઋષભ અંદાજે ત્રણ કલાક માટે રહ્યા હતા.
તેમણે કહ્યું, “સવારે છ વાગ્યે ઋષભ પંતને જ્યારે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત નાજુક લાગતી હતી. હૉસ્પિટલની ટ્રૉમા ટીમે સ્થિતિને સંભાળી હતી.”
“જોકે ઍક્સ-રે બાદ ખબર પડી કે હાડકાંમાં કોઈ ઈજા નથી. જોકે, જમણા ઘૂંટણમાં લિગામૅન્ટલ ઇન્જરી છે. તેમના ઘૂંટણ પર પ્લાસ્ટર લગાવી દેવામાં આવ્યું હતું અને કાર્ડિયાક ઍમ્બ્યુલન્સમાં મૅક્સ હૉસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.”
ડૉક્ટર નાગરે જણાવ્યું કે ઋષભ જ્યાર સુધી તેમની હૉસ્પિટલમાં હતા, ત્યાર સુધી એકદમ સભાન હતા અને તેમને માથામાં ઈજાનાં કોઈ લક્ષણ દેખાતાં ન હતા.
ડૉક્ટર નાગરે જ્યારે ઋષભને પૂછ્યું કે ક્યાંથી આવી રહ્યા હતા? તો પંતે જવાબ આપ્યો તે તેઓ દિલ્હીથી આવી રહ્યા હતા અને મા ને સરપ્રાઇઝ આપવા માગતા હતા.
ડૉક્ટર નાગરે પૂછ્યું કે ઍક્સિડન્ટ કેવી રીતે થયો? તેના જવાબમાં ઋષભે કહ્યું, “મને યાદ છે કે એક ઝોકું આવ્યું અને...“
અત્યારે કેવી છે હાલત?
દેહરાદૂન મૅક્સ હૉસ્પિટલના ડૉક્ટર આશિષ યાજ્ઞિકે ઋષભ પંતની પરિસ્થિતિ અંગે કહ્યું, “તેમની હાલત સ્થિર છે. હાડકાંના વિશેષજ્ઞો અને પ્લાસ્ટિક સર્જન સહિતના ડૉક્ટરોની ટીમ તેમની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ એ ખ્યાલ આવશે કે સારવાર કેવી રીતે થશે. તેની માહિતી મેડિકલ બુલેટિન દ્વારા આપવામાં આવશે.”
સમાચાર એજન્સી એએનઆઈને હરિદ્વારના એસપી દેહાત સ્વપન કિશોરે જણાવ્યું કે ઋષભ પંતની કાર હરિદ્વાર જિલ્લામાં મંગલૌર અને નારસન વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. તેમને દેહરાદૂનના મૅક્સ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
હરિદ્વારના એસએસપી અજયસિંહે કહ્યું, “અમે ડૉક્ટર સાથે વાત કરી છે. તેમનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં કોઈ જીવલેણ બાબત સામે આવી નથી. કોઈ ઇન્ટરનલ ઇન્જરી નથી. પગમાં ઈજા થઈ છે. પીઠ છોલાઈ ગઈ છે. માથા પર પણ ઈજા છે. બાકીનું બધું એક્સ-રે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.”
એએનઆઈ અનુસાર, ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ અધિકારીઓને ઋષભની સારવારમાં જરૂરી તમામ વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યા છે.
પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પણ ઋષભ પંતને જલદી ઠીક થવાની પ્રાર્થના કરી છે.
આ અઠવાડિયે જ પાછા આવ્યા હતા ભારત
પ્રારંભિક અહેવાલો અનુસાર પંત ખુદની મર્સિડિઝ કાર ચલાવી રહ્યા હતા.
25 વર્ષીય પંતને શ્રીલંકા સામે ત્રણ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ટી-20 અને વનડે સિરીઝમાં સામેલ નહીં કરીને બેંગલુરુસ્થિત નેશનલ ક્રિકેટ ઍકેડમી મોકલવામાં આવ્યા હતા.
ફૅબ્રુઆરીમાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ છે અને તે પહેલાં ઋષભને ક્રિકેટ ઍકેડમી મોકલવામાં આવ્યા હતા.
ભારત-બાંગ્લાદેશ સિરીઝ બાદ ઋષભ પંત દુબઈ ગયા હતા. ધોનીના પત્ની સાક્ષીસિંહે ઋષભ સાથે તસવીરો પોસ્ટ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે પંત આ અઠવાડિયે જ ભારત પાછા આવ્યા હતા.
ઋષભ પંત એક આક્રમક બૅટ્સમૅન તરીકે ઓળખાય છે. ગયા અઠવાડિયે જ તેમણે બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મૅચમાં 93 રન માર્યા હતા. ઋષભ પંતને શ્રીલંકા સામેની આગામી સિરીઝમાં સ્થાન મળ્યું ન હતું.