સાબરકાંઠામાં 14 મહિનાની બાળકી સાથે જઘન્ય દુષ્કર્મના અપરાધ બાદ રાજ્યમાં ગુજરાતીઓના રોષનો ભોગ પરપ્રાંતિયો બની રહ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અને અમદાવાદ સહિતના મોટા શહેરોમાં રહેતા ઉત્તર ભારતીયો અને બિહારીઓ પ્રત્યે હિંસાની ઘટનાઓ એકદમ જ વધી ગઈ છે. શુક્રવાર સુધીમાં છેલ્લા ચોવિસ કલાકમાં આવી 16 હિંસાની ઘટનાઓ નોંધાઈ છે.હિંમતનગરના ઢુંઢર ગામ ખાતે સિરામિક ફેક્ટરીમાં કામ કરતા 20 વર્ષીય બિહારી યુવકે 14 મહિનાની બાળકી પર રેપ કર્યા બાદ સ્થાનિકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો
હતો. અને રાજ્યમાં થોડા સમયથી વધી ગયેલી સગીર અને બાળકીઓ સાથેની ઘૃણાસ્પદ ઘટનાના ભારેલા અગ્ની જેવા ગુસ્સાએ એક અલગ જ દિશામાં આગળ વધવાનું શરુ કરી દીધુ. જેના શિકાર અનેક નિર્દોષ વ્યક્તિઓ પણ થઈ રહ્યા છે.
શુક્રવારે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્ય તેમજ શહેર સહિતના વિસ્તારોમાં 19 જેટલા બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં સ્થાનિકોના રોષનો ભોગ હિંદીભાષી બન્યા હોય. જે પૈકી 9 ગુના મહેસાણામાં નોંધાયા, 6 સાબરકાંઠામાં, 3 ગાંધીનગર અને 1 વિરમગામ ખાતે નોંધાયો હતો.તો મહેસાણાના નંદાસણ નજીક આવેલ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર નજીક રહેતા 100 જેટલા નોન-ગુજરાતીઓને 400 જેટલા લોકોના ટોળાએ ઘેરી લીધા હતા અને પોલીસની મદદ આવ્યા બાદ આ લોકોને બચાવી શકાય હતા. સમગ્ર ઘટનાક્રમથી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યા છે રાજ્યના DGP શિવાનંદ ઝાએ કહ્યું કે, ‘પરપ્રાંતિયો પર હુમલા કરવા મામલે 170 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તમામ જિલ્લાઓના પોલીસ વડાને આવી ઘટનામાં તાત્કાલીક પગલા લેવા અને જે પણ ગુનેગાર હોય તેની સામે કડકમાં કડક હાથે કામ લેવા માટે સુચના આપવામાં આવી છે.’