ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે રોશનીનાં ઝળહળાટથી દીપી ઉઠયું ધોરાજીનું મુરલી મનોહર મંદિર

Webdunia
શનિવાર, 1 એપ્રિલ 2023 (10:57 IST)
અંદાજે ૭૫૦ વર્ષથી વધુ પૌરાણિક સુપેડીનાં ઐતિહાસિક મંદિરને મનમોહક શણગાર 
 
રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકામાં સુપેડી ગામમાં ઉતાવળી નદીના કાંઠે અંદાજે ૭૫૦ વર્ષથી વધુ પુરાણું ઐતિહાસિક ભગવાનશ્રી કૃષ્ણનું મુરલી મનોહર મંદિર આવેલું છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે સુંદરમજાનાં રોશનીનાં ઝળહળાટ અને મનમોહક શણગારથી મુરલી મનોહર મંદિર દીપી ઉઠયું છે. પુરાતત્ત્વ વિભાગ હસ્તકનાં આ મંદિરમાં મુખ્ય મંદિર શ્રીકૃષ્ણ એટલે મુરલી મનોહરનું છે. તેમાં તેમનું બાળ સ્વરૂપ એટલે બાળગોપાલ સાથે સાથે શક્તિ સ્વરૂપા રુકમણીજીનું પણ મંદિર આવેલું છે. નીજમંદિરમાં જ મુરલી મનોહરના વાહન ગરુડ દેવ પણ છે. 
 
શિવજી, શ્રીરામ, હનુમાન સહિત જુદાજુદા ૧૦ દેવી - દેવતાઓના મંદિરો આવેલાં છે. સામાન્ય રીતે મંદિરના દ્વાર ઉગમણી દિશામાં હોય છે. દ્વારકા અને ડાકોરના મંદિરના દ્વાર પશ્ચિમ દિશામાં છે. અને તેવી જ રીતે આ મુરલી મનોહર મંદિરના દ્વાર પણ પશ્ચિમમાં ખૂલતા હોવાથી દ્વારકા અને ડાકોરના સમયમાં નિર્માણ પામ્યું હોય તો પણ નવાઈ ન કહી શકાય. સુપેડીની આ ઐતિહાસિક ધરોહર સમા મુરલી મનોહર મંદિરની મનમોહક અદ્ભુત કોતરણી અને તેનું નાગર શૈલીનું બાંધકામ બેનમુન છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે થયા હતા. 
 
દર વર્ષે શ્રીકૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગની યાદમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પોરબંદર નજીક માધવપુર ઘેડ ખાતે લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો વિધિવત રીતે ઉજવાય છે. તથા પરંપરાગત લોકમેળો યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા અને દર્શન કરવા દેશભરમાંથી ભગવાન કૃષ્ણના ભક્તજનો એકઠા થાય છે. 
 
ભારતની પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સુભગ સંગમનાં પ્રતિક સમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે સાધુ સંતો, વૈષ્ણવ સંપ્રદાય, કૃષ્ણપંથી ભક્તો, ઇસ્કોન મંદિરનાં અનુયાયીઓ સહિતના શ્રદ્ધાળુઓમાં ભગવાનશ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન સમારોહનો અનેરો ઉત્સાહ, આનંદ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓ ભગવાનશ્રી કૃષ્ણ અને રૂકમણીના હરખે લગ્નગીત ગાઈ રહ્યા છે, “માધવપુરનો માંડવો, આવે જાદવ કુળની જાન, પરણે રાણી રુકમણી જ્યાં, વર દુલ્હા ભગવાન”.

સંબંધિત સમાચાર

Next Article