હોલિકા દહનમાં પંચ ગવ્ય- ગુગળ- ગાયનું ઘી સૂકા લીમડાના પાન સરસવ અને કપૂરની આહુતિ આપીએ: વિજય રૂપાણી

Webdunia
સોમવાર, 9 માર્ચ 2020 (10:32 IST)
રાજ્યમાં આનંદ ઉલ્લાસથી ઉજવાતા રંગ પર્વ હોળીને આરોગ્ય રક્ષા પર્વ બનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌ નાગરિકોને અપીલ કરી છે.તેમણે સમગ્ર રાજ્યમાં ગામડાં- નગરો- મહાનગરોના શેરી, મહોલ્લા કે જ્યાં જ્યાં સામૂહિક હોળી પ્રગટાવવામાં આવે છે ત્યાં સૌ કોઈ  હોલિકાની અગ્નિ જ્વાળામાં પ્રવર્તમાન સ્થિતીમાં વાયુ-વાતાવરણ શુદ્ધ અને જંતુમૂકત રાખવાના રક્ષણાત્મક ઉપાયો માટે હોળીમાં પરંપરાગત આહુતિ ઉપરાંત પંચતત્વની આહુતિ આપે તેવી અપીલ સૌને કરી છે.
 
વિજય રૂપાણીએ આ અનુરોધ કરતાં જણાવ્યું છે કે, વિશ્વની પ્રવર્તમાન આરોગ્યલક્ષી પરિસ્થિતીમાં વાતાવરણ શુદ્ધિ અને જંતુમૂકિતની આવશ્યકતા હેતુસર હોળીમાં ગૂગળ, ગાયનું ઘી, સૂકા લીમડાના પાન, સરસવ અને કપૂર એવાં પાંચ દ્રવ્યોની આહુતિ આપવી જરૂરી છે. આના પરિણામે, સમગ્ર વાતાવરણ વધુ શુદ્ધ થશે વિષાણુ મુક્ત તેમજ રોગ ના જંતુઓ નાશ પામશે એટલું જ નહિ જંતુનાશ-ફયુમિગેશન થવાને કારણે રોગચાળો-બિમારીઓ ફેલાતી અટકાવી શકાશે.
 
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે હોલિકા દહનમાં પરંપરાગત રિવાજ મુજબ નાળિયેર, ખજૂર, ધાણી જેવી ચીજવસ્તુઓની શ્રદ્ધા-આસ્થાથી સામુહિક આહુતિ આપવામાં આવે છે. હાલની પરિસ્થિતીમાં આ પરંપરા ઉપરાંત સુશ્રુત સંહિતામાં સૂચવાયેલી પંચતત્વની સામૂહીક આહુતિથી આરોગ્યપ્રદ અને જંતુરહિત શુદ્ધ વાતાવરણને પરિણામે રોગમુકત રહી શકાશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ આ રંગ ઉમંગ પર્વ સૌના સ્વાસ્થ્યને રોગ મુક્ત રાખવાનું આરોગ્ય રક્ષા પર્વ બને તેવી અપીલ કરી છે.

સંબંધિત સમાચાર

Next Article