ગુનેગારોની પૂછપરછ માટે હવે થર્ડ ડીગ્રીનો જમાનો ગયો, સાયન્ટીફીક અને ટેક્નોલોજી તપાસના આધારે સજા કરવી હવે વધુ સરળ

Webdunia
સોમવાર, 12 જુલાઈ 2021 (21:37 IST)
આજે ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલીસીસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સીસ સેન્ટરનો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉમેર્યુ કે, ગુનેગારોની પૂછપરછ માટે હવે થર્ડ ડીગ્રીનો જમાનો ગયો, વૈજ્ઞાનિક ટેકનોલોજી અને સાયન્ટીફીક પુરાવાઓના આધારે ફોરેન્સીક એક્સપર્ટ્સની મદદથી સરળતાથી ગુનાઓની કબૂલાત અને તેને આનુષાંગિક પુરાવાઓ એકત્રિત કરવાનો જમાનો છે અને તે માટે જ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી તથા ફોરેન્સીક એક્સપર્ટની મદદથી ગુનેગારોને સજા આપવામાં વધુ સફળતા મળશે. 
તેમણે ઉમેર્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની બીજીવાર ધરા સંભાળી ત્યારે જ દેશના યુવાનોને ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરવા માટે અને દેશમાં થતી ડ્રગ્સની હેરાફેરી પર સંપૂર્ણ નિયંત્રણ લાવવા એક વિશેષ રીસર્ચ બેઇઝ્ડ સાયન્ટીફીક સેન્ટરનું નિર્માણ કરવાનું લક્ષ્ય સેવ્યુ હતુ. 
 
ત્યારે જ નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી  કે જે હવે નેશનલ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે તેની પસંદગી કરી હતી અને આજે માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ યુનિવર્સિટીએ હાઇટેક ટેકનોલોજીથી યુક્ત સાધનો સાથે સેન્ટર કાર્યરત કરી દીધુ છે. હવે દેશમાંથી પકડાતા તમામ પ્રકારના ડ્રગ્સ અને તેના ઉત્પાદનના સ્થળો ઉપરાંત તેની હેરાફેરી માટે વપરાતા રસ્તાઓનું વિગતવાર રીસર્ચ થઇ શકશે જે દેશના ભાવિને ડ્રગ્સ મુક્ત  કરવા ખૂબ જ અસરકારક પૂરવાર થશે. 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યુ છે કે, નો એક્શન અને એકસ્ટ્રીમ એક્શન વચ્ચે મૂંઝવણ અનુભવતા પોલીસ માટે હવે જસ્ટ એક્શન એટલે કે સાહજીક, સાયન્ટીફીક અને ટેકનોલોજીકલ તપાસથી ગુનેગારોને સજા કરાવવા હવે સરળ બનશે. 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉમેર્યુ કે, વધતા જતા ફોરેન્સીક ક્ષેત્રના વ્યાપને ધ્યાને લઇને વિશ્વ કક્ષાની નંબર વન યુનિવર્સિટી NFSUની શાખા પોતાના રાજ્યોમાં શરૂ કરવા દેશના સાત જેટલા રાજ્યોએ રસ દાખવ્યો છે. ત્યારે આ યુનિવર્સિટી  તમામ રાજ્યોમાં એક્સટેન્શન સેન્ટર શરૂ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણની તક પૂરી પાડશે જે દેશના યુવાનોને ફોરેન્સીક સાયન્સ ક્ષેત્રમાં એક્ષ્પર્ટ બનાવવા ઉપરાંત રોજગારી પણ પૂરી પાડશે એટલુ જ નહી દેશની ક્રિમીનલ જસ્ટીસ ડિલીવરી સીસ્ટમને પણ વધુ મજબૂત કરશે. 
 
તેમણે ઉમેર્યુ કે  NFSU સ્થિત સાયબર ડિફેન્સ સેન્ટર અને અત્યાધુનિક બેલેસ્ટીક સેન્ટર કે જેની મુલાકાત સીધી તે બંને સેન્ટર પોતાના વિષયમાં અલગ વિશેષ મહત્વ ધરાવે છે તે જોતાં આ બંને ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બન્યુ છે. સાયબર ડિફેન્સ સેન્ટર આજના સમયની આર્થિક સ્થિરતાની માંગ છે જે વડાપ્રધાનની પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમીના લક્ષ્યને સાકાર કરવા મહત્વપૂર્ણ સાબિત થશે જયારે બેલેસ્ટીક રિસર્ચ સેન્ટર દેશભરની પોલીસ, સેન્ટર પેરામીલેટરી ફોર્સીસ અને દેશના સૈન્યને વધુ સુરક્ષિત કરવા મહત્વપૂર્ણ સાબિત થશે.
 
તેમણે કહ્યુ કે, ભારત દેશની સરહદી વિસ્તાર સંવેદનશીલ છે જે પોલીસ ફોર્સ માટે પડકારરૂપ છે જેને ચેલેન્જ તરીકે સ્વીકારી તેના નિરાકરણ માટે ફોરેન્સીક સાયન્સ પણ મદદરૂપ સાબિત થઇ શકે એમ છે અને વર્ષો જૂની સી.આર.પી.સી., આઇ.પી.સીની કલમો તથા એવિડન્સ એક્ટની કલમોમાં પરિવર્તન કરવા માંગીએ છીએ. 
 
વર્તમાન પરિસ્થિતીના પડકારોને આધારે નવી કલમો ઉમેરો તથા જૂની કલમોમાં જરૂરી ફેરફારો કરવા અમારી સરકાર આગળ વધી રહી છે. છ વર્ષથી વધુ સજા ધરાવતા કોઇપણ ગુનામાં FSL વીઝીટ ફરજીયાત કરવાનો અમારો ધ્યેય છે. દરેક જિલ્લામાં ફોરેન્સીક વાન અને જિલ્લા  FSL યુનિટ શરૂ કરવા પણ તૈયારી છે. 
 
માનવબળ સીમીત છે. પરંતુ હવે નેશનલ ફોરન્સીક સાયન્સીસ યુનિવર્સિટી પોતાની શાળા અન્ય રાજ્યોમાં આપવા સક્ષમ થતાં ખૂબ જ ટુંકા સમયમાં એક્ષપર્ટ યુવા ટીમ તૈયાર કરવા તથા વધુ ફોરેન્સીક કોલેજો બનાવવાની અમારી નેમ છે જે અમારા લક્ષ્યને સાકાર કરવા મહત્વનું કદમ છે. 
 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉમેર્યુ કે, ‘‘નાર્કો ટેરર’’ એ ભારત માટે નવો ખતરો છે જે ભાવી પેઢીને તો બરબાદ કરે જ છે સાથો સાથ દેશના અર્થતંત્રને પણ અસર કરે છે જેને કારણે જ ભારતમાં નાર્કોટિકસ્ દ્રવ્યોને ઘુસાડતા અટકાવવા અમારી સરકારનો મક્કમ નિર્ધાર છે. તેના માટે જ આ સેન્ટરની રચના કરવામાં આવી છે. ડ્રગ્સની સીગ્નેચર પ્રોફાઇલ, ડ્રગ્સ ઉત્પાદકની ભૌગોલિક પ્રોફાઇલ તથા ડ્રગ્સની હેરાફેરીનો રૂટ સહિતની અતિ બારીક બાબતોનું પણ રિસર્ચ આ સેન્ટર પર કરવામાં આવશે. એટલું જ નહી દરેક રાજ્યને ડ્રગ્સનું ટેસ્ટીંગ ઓન ધ સ્પોટ થઇ શકે  તે માટેની સ્વદેશી ડ્ગ્સ ટેસ્ટીંગ કિટ બનાવવાનું કાર્ય આ સેન્ટર કરશે. 
 
છેલ્લા દોઢ વર્ષમાં સૌથી વધુ ડ્રગ્સ પકડી  પાડવાનો રેકોર્ડ  ભારત દેશે કર્યો છે જે દેશના યુવાધનને ડ્રગ્સ મુક્ત કરવાની દિશામાં મહત્વનું પગલુ તો છે જ તેની સાથે સાથે ગૌરવની વાત છે. મને વિશ્વાસ છે કે આ યુનિવર્સિટીથી આવનારા પાંચ વર્ષમાં જ વિશ્વની સર્વોચ્ચ સ્થાન ધરાવતી યુનિવર્સિટીઓ પૈકીની એક યુનિવર્સિટી હશે.

સંબંધિત સમાચાર

Next Article