ભક્તિ,શાંતિ,ભાઇચારાનાવાતાવરણમાં વડોદરામાં 40 મી રથ યાત્રા સંપન્ન, અમી છાંટણા દ્વારા મેઘરાજાએ કર્યા શુભ વધામણા
અષાઢી બીજનાં પવિત્ર પર્વે સંસ્કારી નગરી વડોદરામાં ઇસ્કોન મંદિર,ગોત્રી આયોજિત 40 મી રથ યાત્રા ભક્તિ,શાંતિ,ભાઇચારાના સૌહાર્દભર્યાં વાતાવરણમાં નીકળી અને સંપન્ન થઈ હતી. વહેલી સવારે મેઘરાજા એ રથયાત્રાના સમગ્ર માર્ગ પર વર્ષા જળની ઝરમર દ્વારા શુભ સંકેત આપ્યો હતો.
કોરોના ગાઈડ લાઈનને અનુલક્ષી ને સવારના 9 વાગે ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામજીના પ્રચંડ જયઘોષ વચ્ચે, પરંપરા પ્રમાણે પવિત્ર વિધિઓ દ્વારા વડોદરા મહાનગર પાલિકાના મેયર શ્રી કેયૂર રોકડીયા એ પ્રથમ નાગરિકના અધિકાર થી પ્રભુ ના રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
તેમની સાથે પક્ષ અધ્યક્ષ ડો.વિજય શાહ, ધારાસભ્યો, સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ,મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને મર્યાદિત સંખ્યામાં અગ્રણીઓ જોડાયાં હતાં. કોરોના ગાઈડ લાઈન પ્રમાણે મર્યાદિત સંખ્યામાં ભક્તો સાથે ભગિની સાથે ભગવાન બંધુ બેલડીએ નગરયાત્રા કરી નગરજનો પર આશિષ ની વર્ષા કરી હતી. ભકતો એ પોતપોતાના ઘરોમાં રહીને ભગવાનના દર્શન કરીને સહયોગ આપ્યો હતો.