અમદાવાદ જિલ્લામાં વિકાસની વણઝાર, વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે

સોમવાર, 12 જુલાઈ 2021 (13:46 IST)
રાજ્યના નાગરિકોને કોરોના રસીકરણ કરાવવા, ગરીબના ઘર સુધી મફત અનાજ પહોંચાડવા અને રાજ્યમાં મહત્તમ વૃક્ષારોપણ કરવા સરકાર કટિબધ્ધ હોવાનું ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે. ગાંધીનગર મતવિસ્તારમાં સમાવિષ્ટ અમદાવાદ જિલ્લાના સાણંદ,બાવળા અને દસક્રોઇ તાલુકાના 1239 વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને નવીન કામોની જાહેરાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ વિકાસ કાર્યો અમદાવાદ જિલ્લાના નાગરિકોની જનસુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ પ્રગટ કર્યો હતો. 
 
મારા મતવિસ્તાર સહિત સમગ્ર રાજ્ય-દેશનો વિકાસ એ મારી પ્રાથમિકતા છે. .સ્થાનિક પ્રશ્નો સહિત રાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ મારી હરહંમેશ પ્રાથમિકતા રહેલી છેતેમ લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાણંદમાં યોજાયેલ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને નવા કાર્યોની જાહેરાત પ્રસંગે કહ્યું હતુ.
 
ગાંધીનગર મતવિસ્તારમાં સમાવિષ્ટ અમદાવાદ જિલ્લાના સાણંદ,બાવળા અને દસક્રોઇ તાલુકાના 1239 વિકાસ કાર્યોના લોકાર્પણ , ખાતમૂહૂર્ત અને નવીન કામોની જાહેરાત પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, આ વિકાસ કાર્યો અમદાવાદ જિલ્લાના નાગરિકોની જનસુખાકારીમાં વધારો કરશે. 
 
કોરોનાકાળમાં ગરીબોની દરકાર કરીને ભારત સરકાર દ્વારા મફત અનાજ પહોંચાડવાની શરૂ કરાયેલી યોજનાને વ્યાપક બનાવી જન-જન સુધી લાભ પહોંચાડવાની અપીલ કરતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે,રોજનું કમાઇને ગુજરાન ચલાવતા ગરીબ વર્ગ માટે બે ટંકનું અનાજ મેળવવું મુશકેલ બન્યુ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ તમામ પરિવારોની ચિંતા કરીને દિવાળી સુધી તેઓને મફત અનાજ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.ગરીબ અને જરૂરિયાતમંદો સુધી આ યોજનાની માહિતી પહોંચાડીને તેમને લાભાન્વિત કરવા પણ એક સેવાનું કાર્ય છે. 
 
23 મી જૂલાઇએ શરૂ થનારી ટોકિયો ઓલમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી 6 ગુજરાતી દિકરીઓને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી એ અભિનંદન પાઠવ્યા હતા.આ તમામ દિકરીઓ ઓલમ્પિક્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશ માટે સૂવર્ણ પદક જીતે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો. 
 
તેઓએ વિશેષમાં દ્રષ્ટાંત ટાંકતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ “ખેલ મહાકુંભ” અભિયાનનો શુભારંભ કર્યો હતો ત્યારે કેટલાય લોકોએ તેની ટીકા કરી હતી.પરંતુ આજે આ અભિયાનની સફળતાના પરિણામ મળતા થયા છે. 
 
કેન્દ્રીય ગૃહમંત્રીએ “હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા” અભિયાન અંતર્ગત 15 લાખ વૃક્ષોના વાવેતર કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધરાયું હોવાનું જણાવી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સાણંદ તાલુકો પણ તેમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી. તેમણે આ અભિયાન ભાવિ પેઢી માટેનું અભિયાન હોવાનું જણાવી સ્થાનિક ધારાસભ્યને જી.આઇ.ડી.સી.સાથેના સંકલનમાં કરી વૃક્ષારોપણને વધુ વ્યાપક બનાવવા તાકીદ કરી હતી. 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહે વર્તમાન સમયમાં બદલાયેલી કાર્ય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે અગાઉ તંત્ર લોકો પર પ્રભાવી હતું , પરંતુ આજે લોકો તંત્ર પર પ્રભાવી બન્યા છે. તેમણે આ તબક્કે સાસંદ તરીકેની તેમની ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યું કે, જનપ્રતિનિધિ જનતા અને સરકાર વચ્ચેની જોડતી કડી છે. જેમનું કામ સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાનું અને પ્રજાની વેદના સરકાર સુધી પહોંચાડવાનું કામ કરવાનું છે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આરંભેલી ગુજરાતની વિકાસયાત્રા તેમના કેન્દ્રમાં ગયા પછી પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ માં અવિરત જારી છે. 
 
કેન્દ્રીય ગૃહમંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતુ કે,પ્રતિ મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાકે છે.અમદાવાદ જિલ્લામાં 45 થી વધુ વય અને કોમોર્બિડ સ્થિતિ ધરાવતા ૮૬ ટકા લોકોને રસી અપાઇ ચૂકી છે. તેઓએ પ્રત્યેક નાગરિક રસી લે તે અંગોનો અનુરોધ કરતા કહ્યું કે, જેમ સુદર્શન ચક્રએ દ્રારિકાનું રક્ષણ કર્યું હતુ તેવી જ રીતે રસીચક્ર આપણું રક્ષણ કરશે.
 
સાણંદ એ.પી.એમ.સી.માં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને જાહેરાત પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાધેલા, રજનીભાઇ પટેલ, ધારાસભ્ય કનુભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા સહિત જિલ્લાના અધિકારી-પદાધિકારીશ્રી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર