બે અનોખા વિસામા.. પીડિતોના શેષ જીવનને શક્ય તેટલું સુખમય બનાવવાની ત્રિવેણી સંગમ વ્યવસ્થા

રવિવાર, 11 જુલાઈ 2021 (15:45 IST)
કેન્સર જેવા અસાધ્ય રોગથી પીડાતા અને જેમને દવાખાનામાં રાખીને વધુ સારવાર આપવાથી કોઈ પરિણામ મળવાની શક્યતા નથી તેવા, સમાજના અત્યંત ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓના શેષ જીવનની ઉચિત કાળજી લેવાય તે માટે સંવેદનશીલ રાજ્ય સરકારે અમદાવાદ બાદ વડોદરામાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ આવા દર્દીઓ માટે પેલિએટિવ કેર એટલે કે સારસંભાળ સેવા શરૂ કરી છે.
વડોદરાની સયાજી હોસ્પિટલ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને દીપક ફાઉન્ડેશનના ત્રિવેણી સંગમ આયોજન હેઠળ કેન્સરની 
સારવાર લેતા દર્દીઓના ઉપચાર માટે પ્રોજેક્ટ કરૂણા હેઠળ આ સેવા-સુવિધા ઉભી કરવામાં આવી છે, એવી જાણકારી આપતા સયાજી હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના વડા ડો.અનિલકુમાર ગોયલે જણાવ્યું કે, કેન્સરના છેલ્લા સ્ટેજના દર્દીઓ કે જેઓની વધુ સારવાર દવાખાનામાં શક્ય નથી અને એમના પરિવારની નબળી આર્થિક હાલતને લીધે ગરીબ અને સામાન્ય પરિવારમાં કોઈ કાળજી લેવાનો સમય ફાળવી શકે તે શક્ય નથી તેવા દર્દીઓને સયાજી હોસ્પિટલમાંથી આ સાર સંભાળ કેન્દ્રમાં રિફર કરવામાં આવે છે. 
આવા દર્દીઓની સેવા સુશ્રુષા માટે શહેરના પેન્શનપુરા અને વાઘોડિયામાં ૨૫ બેડની સુવિધા પી.પી.પી. મોડેલથી શરૂ કરવામાં આવી છે. જ્યાં દર્દીઓને વિનામૂલ્યે આશ્રય અને ડાયટ ભોજન સહિત જરૂરી સારસંભાળ લેવામાં આવે છે. તેના માટે સેન્ટર ખાતે જરૂરી સ્ટાફની વ્યવસ્થા રાખવામાં આવી છે.
 
આ સેન્ટરમાં એવા દર્દીઓની સંભાળ લેવામાં આવે છે કે જેઓના ઘરે નાના-મોટા ધંધા રોજગાર કરવાની અનિવાર્યતાને કારણે દર્દીની ઉચિત કાળજી લેનાર કોઈ હોતું નથી અને દર્દીને સમયસર દવા, ખોરાક આપવામાં વિલંબ થતો હોય છે. આ સ્થિતિને લીધે દર્દી હતાશા, અસહાયતા અને નિરાશાની ગર્તામાં ગરકાવ થઈ જતો હોય છે. આ સમસ્યાના નિવારણ માટે આ સાર સંભાળ કેન્દ્ર ગરીબ દર્દીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
 
રસપ્રદ વાત એ છે કે આ પેલિએટિવ કેર શું છે? પેલિએટિવ કેર એક એવો અભિગમ છે જે દર્દીઓ અને તેમના પરિવારજનોની ગુણવત્તામાં સુધારો કરે છે. જીવલેણ બિમારી સાથે સંકળાયેલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તેમને પ્રારંભિક ઓળખના માધ્યમથી ટીમ દ્વારા વેદના નિવારણ, રાહત, પીડા અને અન્ય સમસ્યાઓ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સારવાર માટે વિશેષ સારવાર આપવામાં આવે છે.  
 
આ કેર સેન્ટરમાં આશ્રય લેનારા અસાધ્ય કેન્સર પીડિતોને ખૂબ વેદના થતી હોય તો સયાજી હોસ્પિટલમાં લઈ જઈને વેદના શામક મેડિકલ રેડિએશન સેવાઓ આપી પરત અહીં લાવવામાં આવે છે. 
 
જ્યારે કેર સેન્ટરમાં દર્દીઓને આનુષંગિક સેવાઓ કરાર હેઠળ દીપક ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. (જી.યુ.વી.એન.એલ.) દ્વારા નિગમિત સામાજિક જવાબદારી (સીએસઆર) હેઠળ આર્થિક સહયોગ કરવામાં આવી રહ્યો છે. અહીં દર્દીઓને તમામ સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. આ સંભાળ કેન્દ્રનું મુખ્ય લક્ષ્ય દર્દીની સારસંભાળ લેવાનું છે. 
 
સયાજી હોસ્પિટલના રેડિએશન ઓન્કોલોજી વિભાગમાં વિવિધ પ્રકારના કેન્સરની વિકિરણ સારવાર કરવાની સાથે, કેન્સરની સારવાર કરાવતી વ્યક્તિને ઉબકા, ઉલ્ટી, લોહી અને ચેપ જેવી સમસ્યાઓથી બચવા માટે ખાસ કાળજી લેવામાં આવે છે અને રેડિયો અને કિમોથેરાપી જેવી અદ્યતન પદ્ધતિઓથી સારવાર આપવામાં આવે છે.
 
આ ઉપચાર સંભાળ કેન્દ્રમાં દર્દીને તનાવ અને વેદનામુક્ત રાખવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. દર્દીઓના સ્વજનો તેમને સવાર સાંજ મળી શકે છે અને એમની સાથે સમય વિતાવી શકે છે.
 
આ કેન્દ્રમાં દર્દીના શેષ જીવનને ગુણવત્તાયુક્ત બનાવવા મનોવૈજ્ઞાનિક, આધ્યાત્મિક રીતે દર્દીને શક્ય તેટલું છેલ્લું જીવન આરામદાયક લાગે તેવા પ્રયાસો કરવામાં આવે છે. આમ, શેષ સમયને સુખમય બનાવવાની આ સુવિધા છે જેનો લાભ મુખ્યત્વે સામાન્ય અને ગરીબ પરિવારોના જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવે છે. 
 
સામાન્ય રીતે લોકોમાં જોવા મળતા માથા અને ગળાના કેન્સર, સ્તન કેન્સર, લોહીનું કેન્સર,  આંતરડાનું કેન્સર (જી.આઇ.ટી.) અને ગર્ભાશયના મુખના કેન્સરની ઉચ્ચ વ્યાપકતાની માત્રાને ધ્યાનમાં લઇ કેન્સરના દર્દીઓને એસ.એસ.જી. હોસ્પિટલ મારફતે દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પેલિએટિવ કેર સેન્ટર વાઘોડીયા તથા પેન્શનપુરા ખાતે પેલિએટિવ સેવા માટે રિફર કરવામાં આવે છે.  
દીપક ફાઉન્ડેશન રાજ્ય સરકારની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ના નાણાકીય  સહયોગ અને સયાજી હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગની નિષ્ણાંત તબીબી સેવાઓના સહયોગથી આ સેવાઓ પૂરી પાડી રહ્યું છે.
 
મૂળે જેમની વધુ સારવાર શક્ય નથી અને હોસ્પિટલમાં રાખવાનો કોઈ અર્થ નથી એવા અને આયખાની છેલ્લી સિલક જેવા દિવસો વિતાવતા કેન્સર દર્દીઓના બાકીના જીવનને સુખમય બનાવવાની આ સુવિધાના વિચારનો અમલ ઇંગ્લેન્ડમાં થયો હતો. ઉપરોક્ત ત્રણ સંસ્થાઓએ આ વિચારને વડોદરામાં સાકાર કરવાનું સ્તુત્ય કાર્ય કર્યુ છે. અસાધ્ય કેન્સર પીડિત દર્દીઓ અને તેમના ખૂબ મર્યાદિત સાધન સુવિધા ધરાવતા કુટુંબો માટે આ વ્યવસ્થા આશિર્વાદ રૂપ બનતી જઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર