સુપ્રીમ કોર્ટે શાળા સંચાલકોને આદેશ કર્યો, વધારાની ફી પરત કરો

Webdunia
ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (13:56 IST)
ગુજરાત સરકારે દાખલ કરેલાં શાળાઓના ફી નિર્ધારણ સમિતિના કાયદા સામે સંચાલકો તથા સરકારે સુપ્રિમમાં કરેલી અરજી અને કેવિએટના મુદ્દે આજે થયેલી સુનાવણીના અંતે સુપ્રિમ કોર્ટે સરકારના કાયદાને આડકતરું સમર્થન આપ્યું. સરકારે નક્કી કરેલી પ્રોવિઝનલ ફી સંચાલકો લઇ શકશે ઉપરાંત પ્રોવિઝનલ ફી કરતાં વધુ ફી જે શાળાઓએ લીધી હશે તે વાલીને પરત કરવી પડશે. સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદામાં હાલની ફી નિર્ધારણ સમિતિ નવેસરથી બનાવવાની સૂચના આપી તેમાં વાલીમંડળનો પણ સમાવેશ કરવાનો આદેશ કર્યો છે. રાજ્ય સરકારે બનાવેલી ફી નિર્ધારણ સમિતિમાં વાલીઓને પણ સ્થાન મળવું જોઇએ તેવી રજૂઆત સાથે સુપ્રિમ કોર્ટમાં વાલીઓ તરફે પિટિશન થઇ હતી. જે કેસમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. જ્યારે અન્ય રાજ્યોમાં પણ આવા કાયદામાં વાલીઓને પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સમિતિમાં વાલીઓને યોગ્ય પ્રધાન્ય આપવું જોઇએ તેવી માગ કરાઈ હતી. રાજ્યની સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફી નિર્ધારણ અંગેના નિયમો અને કાયદાની જાહેરાત કરતાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જણાવ્યું હતું કે, આ નિયમ અંતર્ગત સ્વનિર્ભર શાળાઓએ પોતાની શાળા માટે ફી નિયમન સમિતિ સમક્ષ નિયમાનુસાર કાર્યવાહી કરીને આગામી શૈક્ષણિક સત્ર માટે પોતાની ફી નિર્ધારિત કરવાની રહેશે. આ નિયમોનો ભંગ કરનાર શાળાઓ સામે કાયદાના પ્રથમ ભંગ માટે રૂ 5 લાખનો દંડ, બીજીવાર ગુના માટે 5થી 10 લાખનો દંડ, જો ત્રીજીવાર કાયદાનો ભંગ કરશે શાળાને અપાયેલ માન્યતા રદ્દ કરવામાં આવશે અને NOC પરત ખેંચવાની કાર્યવાહી કરશે. નિયત ફી કરતા વધુ વસૂલ થયાના કિસ્સામાં બમણી ફી પરત કરવી પડશે.

સંબંધિત સમાચાર

Next Article