જામનગરના જાણિતા વકીલ કિરીટ જોશીની હત્યા ના કેસમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. પોલીસે હત્યા કરનાર બે આરોપીઓની મુંબઇથી અટકાયત કરી છે. ભૂમાફિયા જયેશ રાણપરિયા એ વકીલની હત્યા કરવા માટે મુંબઇના બે કોન્ટ્રાક્ટ કિલરને રુ. 50 લાખ રૂપિયાની સોપારી આપ્યાનું ચર્ચામાં આવ્યું છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે, વકીલની હત્યાનો મુખ્ય સુત્રધાર જયેશ રાણપરિયા 20મી એપ્રિલે ફેક પાસપોર્ટ દ્વારા દેશ છોડી દુબઇ જતો રહ્યો હતો. જામનગરમાં સતત ધમધમતા ટાઉનહોલ વિસ્તારમાં ગત તા.28મી એપ્રિલની રાત્રે અગ્રણી વકીલ કિરીટભાઇ જોશી પર છરીના આડેધડ ઘા ઝીંકીને નિર્મમ હત્યા નિપજાવીને બાઇકસવાર બે ઇસમો નાસી છૂટ્યાના બનાવના પગલે હાલાર સહિત રાજ્યભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. હત્યા નીપજાવનાર બન્ને કોન્ટ્રાક્ટ કિલરને ઝડપી પાડવા પોલીસે આરોપીનો સ્કેચ પણ જાહેર કર્યો હતો. તેમજ હત્યારાની સચોટ માહિતી આપનારને 50 હજારનું ઇનામ પણ આપવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.ભૂમાફિયા જયેશ પટેલના ઇશારે બે શખ્સોએ હત્યા કરી હોવાની ફરિયાદ મૃતકના ભાઇએ નોંધાવી હતી. પોલીસે 100 કરોડના જમીનના આરોપી જયેશ પટેલ અને બંને હત્યારા સામે ખૂનનો ગુનો નોંધ્યો હતો. ફરિયાદ મુજબ જયેશ મૂળજીભાઇ રાણપરીયા (પટેલ)ના 100 કરોડના જમીન કૌભાંડ કેસોમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે તેના ભાઇ કિરીટ જોશી રોકાયા હતાં. જેનો રાગદ્રેષ રાખી જયેશે પૂર્વોયોજીત કાવતરૂં રચ્યું હતું. જયેશે આ માટે રુ 90000 એડવાન્સમાં પણ આપ્યા હતા.