વિશ્વ હિંદુ પરિષદમાંથી હકાલપટ્ટી બાદ ડૉ. પ્રવીણ તોગડિયાએ પીએમ નરેન્દ્ર મોદી સામે ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. આજથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા પ્રવીણ તોગડિયાએ પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા તોગડિયાએ તેમના પર અનેક આરોપ મૂક્યા. તોગડિયાએ રામ મંદિર, ગૌરક્ષા, કોમન સિવિલ કોડ, બાંગ્લાદેશી મુસ્લિમોના દેશ નિકાલ સહિતની માગ કરી સૂત્રોચ્ચાર કરાવ્યા હતા. તોગડિયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 30 વર્ષી વીએચપી સાથે જોડાયેલો રહ્યો, અને તેનું કામ કરવા ગામેગામ ફરતો રહ્યો. આજે મને ધક્કા મારીને વીએચપીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, મેં જે માંગો મૂકી છે તે મારી નથી. આ માગ હિંદુઓની છે, સંઘ તેમજ ભાજપની અને વીએચપીની જ છે. આ જ માગો સંઘ અને ભાજપે જ વર્ષોથી મૂકી હતી. ભાજપ પર પ્રહાર કરતા તોગડિયાએ કહ્યું હતું કે, પૂર્ણ બહુમતની સરકાર બનશે ત્યારે આ તમામ માગો ચપટીમાં પૂરી થઈ જશે તેવા વચન આપવામાં આવ્યા હતા. હું તો આ ચપટીનો અવાજ સાંભળવા ચાર વર્ષથી કાનમાં મશીન નાખીને બેઠો હતો. ક્યારે મારા મોટાભાઈ નરેન્દ્ર મોદી ચપટી વગાડશે અને આ માગો પૂરી કરશે. સરકાર પર સીધો આક્ષેપ કરતા તોગડિયાએ કહ્યું હતું કે, અત્યાર સુધી ભાજપ અને સંઘે જે નાના-નાના વેપારીઓ પાસેથી ફંડ મેળવીને સંગઠન ચલાવ્યું તે જ વેપારીઓને જીએસટીથી બરબાદ કરી નાખ્યા. તોગડિયાએ કહ્યું હતું કે, સરકારે વેપારીઓને ચોર માન્યા છે અને તેમની સાથે નમકહરામી કરી છે. વેપાર-ધંધાને બરબાદ કરી સરકારે કરોડો રોજગારીઓ પણ છીનવી છે. રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા તોગડિયાએ પીએમ પર વચન આપીને ફરી જવાનો આક્ષેપ કર્યો હતો. તોગડિયાએ કહ્યું હતું કે, હવે સરકાર રામ મંદિર માટે કાયદો બનાવવા તૈયાર નથી. તોગડિયાએ 100 કરોડ હિંદુઓનો અવાજ દબાવાઈ રહ્યો હોવાનો પણ આરોપ મૂક્યો હતો.