ભાવનગરના ઘોઘા તાલુકાના 12 ગામના ખેડૂતોનો છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ રીતે વિરોધ કરી રહ્યાં છે છતા સરકાર આંખ આડા કાન કરી રહી છે, આ ખેડૂતોએ પોતાના બાળકોને સ્કૂલમાંથી ઉઠાડ્યા બાદ હવે તેઓએ સરકારના ગુણોત્સવ જેવા કાર્યક્રમનો બહિષ્કાર કરી સરકારને પડકારી છે, મલેકવદર ગામમાં સ્કૂલમાં યોજાયેલા ગુણોત્સવ કાર્યક્રમમાં એક પણ બાળક હાજર રહ્યો ન હતો, જેના કારણે સ્કૂલના સ્ટાફ સહિત અધિકારીઓ શરમમાં મૂકાયા હતા.
ભાવનગરના ઘોઘા તાલુકાના 12 ગામોની જમીન જીપીસીએલ કંપની દ્વારા સંપાદિત કરવાના મામલે ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં 12 ગામોના લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. મલેકવદર ગામે આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ દ્વારા આચાર્યને લિવિંગ સર્ટીફિકેટ આપવા અંગે અરજી કરી હતી, તેમજ આજથી જ પોતાના બાળકોને શાળામાંથી લઇને રવાના થયા હતા. ત્યારે આજે વધુ એક ગામ હોઇદડમાં પ્રાથમિક શાળાએ વાલીઓ પહોંચ્યા હતા અને બાળકોના લિવિંગ સર્ટીફિકેટની માંગ કરી બાળકોના અભ્યાસનો બહિષ્કાર કર્યો છે.