તૈયાર રહો, સૌરાષ્ટ્રમાં એક એપ્રિલથી વાહન ચાલકો ખંખેરાશે, ટોલનાકા પર ટેક્સ વધશે

શુક્રવાર, 30 માર્ચ 2018 (13:57 IST)
સૌરાષ્ટ્રના અનેક ટોલનાકાએ પર વાહનચાલકોને વધુ નાણાં ચુકવવા પડશે. રૂા.5થી માંડીને 30 રૂપિયા કે તેથી વધુ ટોલ વધારો લાગુ પડશે. રાજકીય ધોરી માર્ગોનું સંચાલન સંભાળતી નેશનલ હાઈવે ઓથોરીટી ઓ ઈન્ડીયા દ્વારા 1લી એપ્રિલથી લાગુ પડે તે ધોરણે ટોલદરમાં બદલાવ જાહેર કર્યો છે જેને કારણે ડુમીયાણી, ડારી, પડધરી, ધ્રોલ, વનાણા, બામણબોર, વઘાસીયા જેવા ટોલનાકાઓ પર વાહનચાલકોએ વધુ નાણાં ચુકવવા પડશે હાઈવે નિર્માણનો ખર્ચ વાહનચાલકો પાસેથી વસુલવાના વ્યુહના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષોથી ટેલનાકા ઉભા કરાયા છે અને વર્ષોવર્ષ ટોલદરમાં વધારો ઝીંકવામાં આવે છે જે અંતર્ગત 1લી એપ્રિલથી આરંભાતા નવા નાણાંકીય વર્ષમાં પણ ટોલટેકસ વધશે.

માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે જેતપુર સોમનાથ સેકશનમાં આવતા ડારી ટોલનાકા પર હવે કાર-જીપને ટોલટેકસ પેટે રૂા.75 ચુકવવા પડશે. એક દિવસમાં એકથી વધુ જર્ની માટે આ દર રૂા.110 રહેશે. હળવા વ્યાપારી વાહનો માટે તે અનુક્રમે 120 અને 180 રહેશે. જયારે બસ-ટ્રક જેવા ભારે વાહનોને અનુક્રમે રૂા.250 થી 375 ચુકવવા પડશે. આ જ સેકશન હેઠળના ડુમીયાણી ટોલનાકા પર પણ ટોલદર વધારો લાગુ પડનાર છે. જયા કાર-જીપ માટે વન-વે રૂા.90 નકકી થયા છે. એક દિવસમાં મલ્ટીપલ પવાસમાં રૂા.135 લાગુ પડશે. હળવા વ્યપારી વાહનોને અનુક્રમે રૂા.145 અને 220 તથા બસ-ટ્રક જેવા ભારે વાહનો માટે રૂા.355 અને 455ના ટોલદર રહેશે. ઝાદોઈ ટોલનાકા પર કાર-જીપ માટે રૂા.60 તથા હળવા વ્યાપારી વાહન માટે 95 અને ભારે વાહનો માટે રૂા.195 ચુકવવા પડશે. વનાણા ટોલનાકે જીપ-કાર માટે 60, હળવા વાહન માટે 100 અને ટ્રક-બસ જેવા ભારે વાહનના રૂા.200 થશે. બામણબોર સેકશનના વઘાસીયા ટોલનાકાના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજય સરકાર હસ્તકના ધોરીમાર્ગો પરના ટોલનાકા પર કાર-જીપ પાસેથી ટોલટેકસ વસુલાતો નથી. આ સિવાયના વાહનચાલકો ખંખેરાશે. જામનગર જીલ્લામાં આવતા બેડ, ધ્રોલ તથા પડધરી ટોલનાકા પર પણ ટોલદરમાં રૂા.5 થી 15નો વધારો થઈ જનાર છે. રાજકોટ-ધ્રોલ, ધ્રોલ-જામનગર તથા જામનગર-વાડીનાર વચ્ચે આવતા ટોલનાકા પર ટેકસ વધશે. ધ્રોલ-જામનગરના ટોલનાકા પર નાના વાહનોને માટે વધારો નથી. પરંતુ વાડીનાર રૂટ મોંઘા થશે. રાજકોટ-ધ્રોલ-વાડીનાર રૂટ પર ટ્રાવેલ્સ બસોને 30 રૂપિયાનો વધારો ચુકવવો પડશે. હળવા વ્યાપારી વાહનો માટે પણ ટોલટેકસ વધી જશે. ભારે વાહનોને પણ 30 રૂપિયા જેવો ટોલટેકસ વધારો થશે.ટોલટેકસમાં વધારાને પગલે વાહનચાલકો ઉપર નવો લાખો રૂપિયાનો બોજ આવવાનું માનવામાં આવી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે જામનગર-રાજકોટ રૂટના ત્રણ ટોલનાકાનું દૈનિક કલેકશન 25 લાખ આસપાસ થવા જાય છે. ટોલ કોન્ટ્રાકટરને વાર્ષિક 100 કરોડ મળતા થવાનું મનાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર