અમરેલીમાં બનેલી કથિત ઓનર કિલિંગની એક ઘટનામાં પોતાની મરજી વિરુદ્ધ લગ્ન કરનારી 25 વર્ષીય ગર્ભવતી યુવતીની તેના જ માતાપિતા અને ભાઈએ મળીને હત્યા કરી નાખી છે. આ ઘટનાથી વ્યથિત પરિણિતાના સાસરિયાએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે, અને પરિણિતાની હત્યાના આરોપીઓની ધરપકડ કરવા માગ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક નયના ભાનુભાઈ દડુકિયાએ પ્રકાશ ખેતરિયા નામના પોતાના પ્રેમી સાથે પરિવારજનોની મરજી વિરુદ્ધ ભાગી જઈને નવેમ્બર 2017માં લગ્ન કર્યા હતા.
આ લગ્નથી નયનાના પરિવાજનો રાજી નહોતા. પરિવારના ડરને કારણે જ નયના અને તેનો પતિ છૂપાઈને રહેતાં હતાં. થોડા દિવસ પહેલા જ નયના અને તેનો પતિ અમરેલીના સોનારિયા ગામે આવ્યાં હતાં. નયના પોતાના સાસુને લઈને હોસ્પિટલ જઈ રહી હતી ત્યારે તેના પરિવારજનો તેને જોઈ ગયા હતા, અને ત્યારે જ તેઓ નયનાને જબરજસ્તીથી પોતાની સાથે લઈ ગયા હતા. પ્રકાશના માતા ગૌરીબેને આ ઘટના અંગે તેને જાણ કરી હતી. પ્રકાશ જ્યારે નયનાને છોડાવવા માટે તેના ઘરે પહોંચ્યો ત્યારે તેના સાસરિયાએ તેને તેની જાતિ પર ગાળો બોલીને તેને કાઢી મૂક્યો હતો. એટલું જ નહીં તેને ચાકૂ બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાના થોડા સમય પછી નયનાનો મૃતદેહ ગામના એક અવાવરું મકાનમાંથી મળી આવ્યો હતો. નયનાના પતિ પ્રકાશે આ મામલે નયનાના માતાપિતા અને ભાઈ વિરુદધ ફરિયાદ નોંધાવી છે. મૃતક નયનાને ત્રણ મહિનાનો ગર્ભ હોવાની વાત પણ સામે આવી છે. હાલ નયનાની હત્યાના તમામ આરોપીઓ ફરાર છે, અને પોલીસે તેમને શોધી કાઢવા માટે કાર્યવાહી શરુ કરી છે.