ગુજરાત કોંગ્રેસની મીડિયા ટીમને મધ્યપ્રદેશની ચૂંટણીની જવાબદારી સોંપાઈ

Webdunia
મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (16:18 IST)
કોંગ્રેસ હાઈકમાન્ડે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકની ચૂંટણી પહેલાં ગ્રાસરૂટ સ્તરે મીડિયા મેનેજમેન્ટ માટે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશી સહિત આઠ યુવાનોની ટીમને જવાબદારી સોંપી છે. ગુજરાતની આ યુવા ટીમ આગામી ૭ ફેબ્રુઆરીથી ૧૦ ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશના ભોપાલમાં ધામા નાખીને સ્થાનિક સ્તરે મીડિયા સેલમાં કામ કરવા માગતા કાર્યકરોની પસંદગી કરશે. ગુજરાતના આગેવાનોને એઆઈસીસી દ્વારા જુદા જુદા રાજ્યોમાં જવાબદારી સોંપવામાં આવે છે,

પરંતુ મીડિયા ટીમને અન્ય રાજ્યોમાં આ રીતે જવાબદારી સોંપવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુવા ટીમને પ્રાધાન્ય આપીને વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલાં કાર્યકરો-આગેવાનોને નેતાગીરીમાં આગળ પરંતુ પક્ષમાં નિષ્ક્રિય રહેનારા લોકોને હવે તેમનો યુગ પૂરો થયો છે તેવા સ્પષ્ટ સંકેત આપ્યો હતો. ગુજરાતના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસનું મીડિયા મેનેજમેન્ટ જોઈને રાહુલ ગાંધી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને પ્રદેશ પ્રવક્તા ડો. મનિષ દોશીને ચૂંટણી દરમિયાન કરેલી કામગીરી બદલ વ્યક્તિગત અભિનંદન પત્ર પાઠવ્યો હતો. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાતના સાંસદો, ધારાસભ્યો સહિતના અન્ય નેતાઓને અન્ય રાજ્યોના ચૂંટણી પ્રચાર માટે અથવા જે તે રાજ્યના પ્રભારી સહિતની જવાબદારી સોંપવામાં આવે છે, પરંતુ મીડિયા ટીમને અન્ય રાજ્યોનું મીડિયા મેનેજમેન્ટ સોંપવામાં આવ્યું હોય તેવું સૌ પ્રથમવાર બની રહ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશી કહે છે કે, ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અને મીડિયા વચ્ચેના સંકલનનો વ્યક્તિગત અનુભવ કર્યો હતો અને તેનાથી તેઓ પ્રભાવિત થયા હોવાથી ગુજરાતની ટીમને આ જવાબદારી સોંપવામાં આવી છે..

સંબંધિત સમાચાર

Next Article