વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી નક્કી:આજે દિલ્હીમાં રાહુલને મળશે

Webdunia
શનિવાર, 6 જાન્યુઆરી 2018 (12:18 IST)
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે અમરેલીથી ચૂંટાઇ આવેલા સિનિયર અને યુવાન એવા પરેશ ધાનાણીનું નામ લગભગ નક્કી કરી દેવાયું છે. જેની સત્તાવાર જાહેરાત એકા-બે દિવસમાં કરી દેવાશે. દિલ્હીથી કોંગ્રેસના બે નિરિક્ષકોએ ધારાસભ્યોને મળી તેમની સેન્સ લીધા બાદ હાઇકમાન્ડને રિપોર્ટ સોંપી દીધો છે. બીજી બાજુ ધાનાણીને પણ શુક્રવારે મોડી સાંજે તેડું આવતા તેઓ દિલ્હી જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયા બાદ છેલ્લા કેટલાક દિવસથી વિરોધ પક્ષનાં નેતાનો મામલો ગૂંચવાયો છે.

સૌરાષ્ટ્રમાંથી વરિષ્ઠ ધારાસભ્ય કુંવરજી બાવળીયા અને વિક્રમ માડમે પણ પોતાને નેતાનું પદ આપવાની માગણી કરી હતી. બીજી બાજુ સૌરાષ્ટ્રનાં પાટીદારોની માગણી છે કે, અમરેલી જેવા જિલ્લામાં ભાજપનો સાવ સફાયો કરનારા અને ધૂરંધરને હરાવીને ધારાસભ્ય બનનાર યુવાન પરેશ ધાનાણીને જ વિરોધ પક્ષના નેતા બનાવવા જોઈએ. વિરોધ પક્ષના નેતા અંગે કોઇ સર્વસંમતિ સાધી શકાતી ન હોવાથી દિલ્હીથી બે નિરિક્ષકો ગુજરાતમાં આવ્યા હતા. અહીં તેઓએ બે દિવસ રોકાઇને તમામ ધારાસભ્યોને વન-ટુ-વન મળી તેમની પાસેથી મંતવ્યો લીધા હતા. જેમાં પણ મોટાભાગનાએ પરેશ ધાનાણી પર જ પસંદગી ઉતારી હોવાનું કહેવામાં આવે છે. બીજી બાજુ નિરિક્ષકો પરત જતા રહ્યા બાદ શુક્રવારે સાંજે પરેશ ધાનાણીને દિલ્હી આવવાની સૂચના આપી હતી. જેને પગલે તેઓ તુરંત જ દિલ્હી જવા રવાના થઇ ગયા હતા. આવતીકાલે શનિવારે સવારે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મીટીંગ કરશે. જેમાં દિલ્હી કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ, ગુજરાત પ્રદેશનાં પ્રભારી વગેરે હાજર રહેશે. આ મીટીંગની અંદર જ ચર્ચા-વિચારણા કર્યાબાદ 'તમને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવે છે' એવું ધાનાણીને કહી દેવામાં આવશે. આ મુલાકાત પૂર્ણ થયા બાદ નવી દિલ્હીનાં કોંગ્રેસ કાર્યાલય ખાતેથી જ વિધાનસભાના વિરોધ પક્ષના નવા નેતાનાં નામની સત્તાવાર જાહેરાત કરાશે. જો કોઇ છેલ્લી ઘડીના ફેરફારો નહીં થાય તો પરેશ ધાનાણીનું નામ નિશ્ચિત જ છે.

સંબંધિત સમાચાર

Next Article