સાણંદના પૂર્વ ધારાસભ્ય કરમસીભાઈ પટેલના દીકરાએ પોતાના પેટ્રોલ પંપ પરથી ૬ લાખ રૂપિયાની ચોરી માટે પોતાના જ કર્મચારીઓના હાથ તેલમાં બોળાવ્યાના આક્ષેપ સાથે વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. હકિકતમાં પૂર્વ ધારાસભ્ય કરમસીભાઈ પટેલના દીકરા કનુભાઈનો વિરમગામ પાસે હાંસલપુર ચોકડી નજીક પેટ્રોલ પંપ આવેલો છે. જેમાં વકરાના ૧૨ લાખ રૂપિયા ગણીને કાઉન્ટરમાં મુક્યા હતા તે પૈકી છ લાખ રૂપિયા આજે બપોરે ઓછા નીકળતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ ચોરી તેમના જ પેટ્રોલ પંપના કર્મચારીઓએ કરી હોવાની શંકા સાથે ‘સત્યના પારખાં’ કરાવ્યાના આક્ષેપો શરૂ થયા હતા.
જો કે, ગ્રામ્ય પોલીસ સત્તા આગળ શિર્ષાસન કરતી દેખાઈ હતી અને ઉકળતા તેલની વાતથી અજાણ હોવાનું કહ્યું હતું. સ્થાનિક સૂત્રોના જણાવ્યાં અનુસાર, સનાથલ ચોકડી પાસે પૂર્વ ધારાસભ્ય અને હાલમાં જ ભાજપમાં જોડાયેલા કરમસીભાઈ પટેલના દીકરા કનુભાઈ પટેલનો પેટ્રોલ પંપ આવેલો છે. આક્ષેપ પ્રમાણે પેટ્રોલ પંપના વકરાના ૧૨ લાખ રૂપિયા ગણીને ઓફિસના કાઉન્ટરમાં મુક્યા હતા. દરમિયાન આજે બપોરે તે ૧૨ લાખ પૈકી છ લાખ ચોરી થતા કનુભાઈએ વિરમગામ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કહેવાય છે કે, આ ઘટના બાદ પેટ્રોલ પંપ પર જ કામ કરતા છ કર્મચારીઓને સાણંદ તાલુકાના જાંબુથલ ગામે માતાજીના ભૂવા પાસે લઈ જઈ સત્યના પારખાં કરાવવા ઉકળતા તેલમાં હાથ બોળાવ્યાં હતા. ભરબપોરે બનેલી આ કમકમાટી ભરી ઘટનાનો કેટલાક સ્થાનિક લોકોએ વીડિયો બનાવી લીધો હતો અને વાઈરલ કર્યો હતો. આ અંગે ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા આર.વી અસારીએ કહ્યું હતું કે, ચોરી થયાની ફરિયાદ થઈ છે. બાકી તેલમાં હાથ બોળાવ્યાંની ફરિયાદ પોલીસ પાસે આવી નથી.