અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩મી સપ્ટેમ્બરે આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ જાપાને તૈયાર કર્યો છે. તેમજ લગભગ ૬૦ ટકાથી વધુ લોન ભારતને મળવાની છે. ભારતભરમાં હાઈસ્પીડ ટ્રેનનો આ પ્રથમ પ્રોજેક્ટ હોઈ, જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો એબે પણ પોતાના પત્ની સાથે ૧૩મીએ બપોરે ૩-૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે, બન્ને વડાપ્રધાનનો બે દિવસનો ભરચક કાર્યક્રમ છે. સચિવાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ૧૩મીએ પ્રથમ દિવસે બપોરે જાપાનના વડાપ્રધાનને સત્કારવા ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર જશે. આ સમયે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. એરપોર્ટથી બન્ને દેશનાં વડાપ્રધાન પોતાના કાફલા સાથે સાબરમતીમાં આવેલા ગાંધી આશ્રમમાં જશે. એરપોર્ટથી આશ્રમ વચ્ચે બન્ને મહાનુભાવોનો ભવ્ય રોડ શો યોજાશે. રસ્તામાં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ઝાંખી કરતાં સ્ટેજો ઉભા કરાયા છે. લગભગ બે કલાકની અંદર બન્ને વડાપ્રધાન આશ્રમમાં પહોંચશે. આશ્રમની અંદર થોડો સમય સુધી રહેશે તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન પણ કરશે. ત્યાર બાદ આશ્રમથી બન્ને વડાપ્રધાનનો કાફલો છૂટો પડશે. ભારતના વડાપ્રધાન અમદાવાદ સરકીટ હાઉસ જશે. જ્યારે જાપાનના વડાપ્રધાન વસ્ત્રાપુરમાં આવેલી હોટેલ હૈયાત ખાતે જશે. સાંજે ૬-૩૦થી ૭ વચ્ચે બન્ને દેશના વડાપ્રધાન પોત-પોતાના કાફલા સાથે ફરીથી લાલ દરવાજા ખાતેની ઐતિહાસિક સીદી સૈયદની જાળી ખાતે ભેગા થશે. આ સ્મારકની મુલાકાત લીધા બાદ બન્ને વડાપ્રધાનો સ્મારકની સામે જ આવેલી હોટેલ અગાસીયામાં જશે. અહીં જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે, તેમના પત્ની અને વડાપ્રધાન મોદી ગુજરાતી ભોજન લેશે. હોટેલમાં જ બન્ને વડાપ્રધાનો તેમજ કેટલાક ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક થશે. રાત્રે ૯ વાગ્યાની આસપાસ તેઓ ફરીથી છૂટા પડશે. PM મોદી ગાંધીનગરમાં રાજભવન ખાતે અને શિન્ઝો એબે હોટેલ હૈયાત ખાતે રાતવાસો કરવા રવાના થશે. બીજે દિવસે એટલે કે ૧૪મીએ સવારે ૯-૩૦ વાગ્યે સાબરમતી રેલવે સ્ટેશન નજીક આવેલા એથલેટીક ગ્રાઉન્ડ ખાતે બન્ને વડાપ્રધાન ભેગા થશે. અહીં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની સૌ પ્રથમ બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે. સાબરમતી રેલ્વે સ્ટેશનથી તેઓ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પહોંચશે. સવારે ૧૧ વાગ્યાની આસપાસ દાંડી કુટીરની મુલાકાત લેશે. ત્યારબાદ મહાત્મા મંદિરનાં મુખ્ય હોલમાં જશે જ્યાં બન્ને દેશોનાં ડેલીગેશન વચ્ચેની ચર્ચામાં ભાગ લેશે. બપોરે ૧-૩૦ થી ૨-૩૦ દરમિયાન મહાત્મા મંદિર ખાતે જ બન્ને વડાપ્રધાન ભોજન લેશે. મહાત્મા મંદિર ખાતે જ ભારત-જાપાનનાં ઉદ્યોગપતિઓ સાથે બન્ને વડાપ્રધાનોનું ફોટોસેશન યોજાશે. ત્યાર બાદ સાંજે ૪ વાગ્યે ભારત-જાપાન બિઝનેસ પ્લાનીંગ પર ચર્ચા અને MOU થશે. સાંજે ૬-૩૦ વાગ્યે અમદાવાદ આવ્યા બાદ બન્ને PM સાયન્સ સિટી ખાતે પહોંચશે. અહીં ભારત-જાપાનના સાંસ્કૃતિક કાર્યક્રમો રખાયા છે. રાત્રીનું ભોજન બન્ને નેતાઓ સાથે કર્યા બાદ, લગભગ ૯-૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી જ જાપાનના વડાપ્રધાન ટોકીયો જવા અને મોદી દિલ્હી જવા રવાના થશે.