ગુજરાતમાં વરસાદની જેમ જામતું રાજકારણ, આનંદીબેન જૂથના ધારાસભ્યો ભાજપ હાઈકમાન્ડથી નારાજ

Webdunia
શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (17:30 IST)
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે રાજકીય ગરમીનો પારો વધી રહ્યો છે. એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. તો બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગ્જ નેતા શંકરસિંહ વાઘેલાએ પક્ષ છોડીને નવો વિવાદ ઉભો કર્યો છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા માટે તેમને બેંગ્લુરૂ ભેગા કર્યા છે. તો હવે બનાસકાંઠામાં પુરગ્રસ્તોને મળવા આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પત્થર મારો કરવામાં આવ્યો છે અને કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

આ સિવાય ગુજરાતમાં પુરગ્રસ્તો માટે જાહેર કરાયેલા 1500 કરોડના પેકેજ પર પણ ભાજપમાં આંતરિક ડખો ઉભો થયો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ સરકાર દ્વારા બારોબાર લેવાતા નિર્ણયો સામે નાખુશ છે. હવે એક નવો ફતવો પ્રકાશમાં આવ્યો છે.  પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ કરવાના આશયથી 5 ઓગસ્ટ ને શનિવારે અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના પાટીદાર સમાજના કાર્યકરોનું સંમેલન પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં યોજાવાનું હતું પરંતુ આ સંમેલન રદ્દ કરવામાં આવ્યુ છે. આ સંમેલન રજ કરાયું તે પછી હાર્દિક પટેલે અમદાવાદમાં આજે પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે દાવો કર્યો કે, ભાજપના અમુક ધારાસભ્યો પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં છે. હાર્દિકે દાવો કર્યો છે કે આનંદીબેન પટેલ જૂથના અમુક ધારાસભ્યો પાટીદાર આંદોલનના સમર્થનમાં છે અને એ લોકો ભાજપને હરાવશે.તેણે એવો પણ દાવો કર્યો કે ભાજપના અમુક ધારાસભ્યો પક્ષથી નારાજ છે અને આ નારાજ ધારાસભ્યો ગમે ત્યારે બગાવત કરે તેવી શક્યતા નકારી શકાય નહીં. હાર્દિકે 5 ઓગસ્ટે થનારા પાટીદાર ક્રાંતિ સંમેલનને મોકૂફ રાખવા માટે ઉમિયાધામના ટ્રસ્ટીઓ પર ભાજપના બાબુ જમનાદાસ પટેલનું દબાણ હોવાનો દાવો પણ કર્યો. આગામી સમયમાં આગળની રણનીતિ વિષે પાસ તરફથી જાહેરાત કરાશે તેવું તેણે નિવેદન આપ્યું છે. હાર્દિકે જણાવ્યું કે, આજે અમદાવાદ ખાતે પાસના કાર્યકરોની મીટીંગમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. હાર્દિકે 26 ઓગસ્ટે પાટણમાં મહાસંમેલન કરવાની જાહેરાત કરી છે તેનું શું થશે તે હવે સવાલ છે
Next Article