ગુજરાતમાં શરૂઆતની મોસમના વરસાદથી 31નાં મોત

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2017 (16:06 IST)
રાજયમાં સાર્વત્રિક વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચકક્ષાની બેઠક યોજીને સમીક્ષા કરી હતી અને જયાં વરસાદથી જમીનનું ધોવાણ થયું છે ત્યાં કૃષિ વિભાગને સર્વે કરીને નુકસાનનો અંદાજ મેળવવા સૂચના આપી હતી. તે સાથે રોગચાળો ન થાય તે માટે સ્વચ્છતા ઝુંબેશ ચલાવવા અને દવાનું છંટકાવ કરવા પણ તંત્રને જણાવ્યું હતું.

બીજી તરફ ભારે વરસાદના પગલે રાજયના ચાર જેટલા જળાશયને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. વાવણી લાયક વરસાદ થતા ખરીફ ઋતુનું ૨૫ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે જે ગત વર્ષે ૧૩ લાખ હેકટરમાં હતું. બીજીતરફ ભારે વરસાદની આગાહીથી ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા જિલ્લાના તંત્રને અલર્ટ પર મુકવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને સિનિયર સચિવોની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી. જેમાં વરસાદના કારણે મૃત્યુ પામેલી ૩૧ વ્યક્તિ અને ૩૦૦ જેટલા પશુ મૃત્યુ થયા હોવાનું હોવાનું જણાવાયું હતું. જેમાં ૨૪ના મોત વીજળી પડવાથી થયા છે. તેમણે મૃત્યુના કિસ્સામાં સહાય ચૂકવવા અંગે જાણકારી મેળવી હતી. જુલાઇના આરંભે જ ૨૩ ટકા જેટલો વરસાદ થઇ ગયો છે અને જળાશયોમાં ૩૧ ટકા પાણી ઉપલબ્ધ થયું છે. મોરબી, પાટણના જે પરિવારોને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું તે પરત ફરી રહ્યા હોવાનું અને વરસાદથી અસરગ્રસ્ત માર્ગ પણ પૂર્વવત થઇ રહ્યા હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. રાજયના ૨૦૩ પૈકી ૪ જળાશયને એલર્ટ અને હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જેમાં ભરૂચના ધોલી, જામનગરના ઉન્ડ-૨, મોરબીના મચ્છુ-૨ અને ડેમી-બેનો સમાવેશ થાય છે. નર્મદા ડેમની જળ સપાટી ૧૧૫ મીટર ઉપર પહોંચવા સાથે કુલ ૮૦ ટકા જેટલો પાણીનો સંગ્રહ થવા પામ્યો છે અને નર્મદા સિવાયના જળાશયોમાં કુલ ૩૪ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થવા પામ્યો છે. દરમિયાન કૃષિ વિભાગના મંત્રી ચીમનભાઇ સાપરિયાએ જણાવ્યું હતું કે, સરેરાશ વાવેતર સામે ચાલુ ખરીફ સીઝનમાં ૩૦ ટકા જેટલું વાવેતર સારા વરસાદના કારણે થઇ જવા પામ્યું છે. જેમાં ધાન્ય પાકમાં ૧૬ ટકા, કઠોળમાં ૨૦ ટકા, તેલીબિયામાં ૩૪ ટકા અને અન્ય પાકમાં ૩૩ ટકાનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવા કૃષિ વીજ જોડાણ માટે કામગીરી ચાલુ છે ત્યારે કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા ખેડૂતોને લાઇનની કામગીરીમાં મદદ કરવા માટે ફરજ પાડવામાં આવે છે અને તેમની પાસેથી થાંભલા સ્થળ પર ખેંચી લાવવા, ખાડા કરવા, અર્થિંગ માટે કોલસો-મીઠું આપવા માટે ગેરકાયદે ફરજ પડાતી હોય છે. આવી ફરિયાદો સરકારને મળતા તેનું ચેકિંગ કરવામાં આવશે અને કસુરવાર કોન્ટ્રાક્ટરને પાંચ વર્ષ માટે બ્લેક લીસ્ટેડ કરાશે તેમ પણ જણાવ્યું હતું.
Next Article