કોંગ્રેસ પાસે અનેક ચહેરા છે, પોસ્ટરથી સીએમ નક્કી નથી થતાં - મોઢવાડિયા

Webdunia
મંગળવાર, 9 મે 2017 (14:49 IST)
વડોદરામાં બાપુની સરકાર આવે છે ના હોર્ડિંગ્સ લાગ્યા છે. આ મુદ્દે અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, 'પોસ્ટરથી મુખ્યમંત્રી નક્કી નથી થતાં. કોંગ્રેસ પાસે અનેક ચહેરાઓ છે. બહુમતિથી ચૂંટણી જીત્યાના બે દિવસમાં કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા જેને જવાબદારી સોંપવામાં આવશે તે મુખ્યમંત્રી બનશે.' સાથે વિધાનસભાની આગામી ચૂંટણીમાં 125 જેટલી બેઠકો કોંગ્રેસ જીતશે તેવો દાવો મોઢવાડીયાએ કર્યો હતો. 
કોંગ્રેસમાં ચાલતાં ગજગ્રાહ પર અર્જુન મોઢવાડીયાએ સુરતમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને કોઈ જ સ્પર્ધા નથી. જ્યારે બીજી તરફ ભાજપમાં હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તો 12મો ખેલાડી છે, તેમની પાસે કોઈ ચહેરા જ નથી, તો કોંગ્રેસ પાસે અનેક ચહેરા હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ ભાજપ સરકારમાં યુવાનોની રોજગારી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન અપાતા હોવાનું જણાવ્યું હતું.

કોંગ્રેસની સ્થિતી અંગે અર્જુનભાઈએ જણાવ્યું હતું કે, લોકો ભાજપના કુશાસનથી કંટાળી ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં પંજો મજબૂત થઈ રહ્યો છે. અને આગામી સમયમાં શહેરોમાં પણ કોંગ્રેસ મજબૂતીથી લડશે. ભાજપના શાસનને લોકો જાકારો આપીને કોંગ્રેસનું મજબૂત શાસન સ્થાપશે. કિનારા બચાવો યાત્રામાં લોકોએ કોંગ્રેસને ખૂબ સાથ આપ્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. અર્જુન મોઢવાડીયાએ ભાજપના 150 પ્લસ સીટ જીતવા મુદ્દે ટોણો મારતાં કહ્યું હતું કે, તેઓ તો કંઈ પણ બોલે ગુજરાતમાં વિધાનસભાની 182 સીટ છે, પરંતુ ભાજપને આ કહેતા નવાઈ નઈ લાગે તેઓ 182માંથી 200 સીટ જીતશે. 

 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદારોના સાથથી હાથને મજબૂત બનાવનારા પાટીદારોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેટલું પ્રતિનિધિત્વ આપવામાં આવશે તે અંગેના સવામાં મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, પાટીદારો પહેલેથી જ કોંગ્રેંસમાં છે અને હરવખતે પ્રધિનિધિત્વ આપવામાં આવે છે. દિલ્હી મુલાકાતમાં કોંગ્રેસી નેતાઓ વચ્ચે થયેલી ચડભડ અંગેનો જવાબ ટાળતાં અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ગુજરાતના પ્રવાસે યોગ્ય સમયે આવશે. અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારશે
Next Article