રૂપાણીએ ફેરવી તોળ્યું, વહેલી ચૂંટણી યોજવાનો નિર્ણય મોવડી મંડળ કરશે

Webdunia
મંગળવાર, 28 માર્ચ 2017 (13:29 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવા અંગેની અકળો ફરીથી વધી ગઈ છે. કારણ કે તાજેતરમાં જ ખુદ મુખ્યમંત્રી સહિતનાં ટોચના મંત્રીઓ અને પ્રદેશ સંગઠનના નેતાઓ એવું કહેતા હતા કે ચૂંટણી તેના નિયત સમયે જ યોજાશે. પરંતુ સોમવારે મુખ્ય મંત્રી વિજય રૃપાણીએ ભાજપના કાર્યકર્તાઓને સાળંગપુર ખાતેના અભ્યાસવર્ગમાં એવું કહ્યું કે વહેલી ચૂંટણી યોજવાનો નિર્ણય મોવડી મંડળ કરશે.

વહેલી ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા તો તૈયારી શરૃ કરી દેવાઈ છે. કોંગ્રેસના નિરિક્ષકોને ગુજરાતભરમાં ઉમેદવારોની પેનલ બનાવવા માટે મોકલી દેવાયા છે. ભાજપે પણ અંદરખાનેથી વહેલી ચૂંટણીની તૈયારી શરૃ કરી દીધી છે. સરકાર દ્વારા પણ આવા જ કારણોથી પ્રજાલક્ષી જાહેરાતો થઈ રહી છે. તેમજ વિધાનસભામાં ચૂંટણી લક્ષી વિધેયકો આવી રહ્યા છે.

મુખ્યમંત્રી રૃપાણીએ અભ્યાસવર્ગમાં એવું જણાવ્યું કે ઉત્તર પ્રદેશનાં પરિણામોએ કાર્યકરોમાં નવો ઉત્સાહ સીંચી દીધો છે. આ પરિણામથી વિશ્વાસ વધી ગયો છે. પ્રજા પણ વડાપ્રધાન મોદીની સાથે જ છે. ઉપરાંત કોંગ્રેસમાં નિરાશા ફેલાયેલી છે. આંતરિક કારણો પણ છે. આવી સ્થિતિમાં વહેલી ચૂંટણી યોજવા અંગેનો નિર્ણય ભાજપ હાઈકમાન્ડ જ કરશે. દરમિયાનમાં સોમવારે સરકારનાં બે મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પ્રદીપસિંહ જાડેજા એકાએક દિલ્હી ઉપડી જતા વહેલી ચૂંટણી આવી રહી હોવાની ચર્ચા સચિવાલયમાં થતી હતી. જો કે, બંને મંત્રીઓની કચેરી દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, અગાઉના સીડયુઅલ મુજબ તેઓ દિલ્હી ગયા છે. બંને મંત્રીઓ ઉપરાંત ગુજરાતનાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ દિલ્હીમાં હતા. આ ત્રણેય મંત્રીઓ કેન્દ્રના ૩ થી ૪ મંત્રીઓને મળ્યા હતા. તેમજ ગુજરાતનાં પડતર પ્રશ્નોને શક્ય તેટલા જલ્દી ઉકેલવા માટેની રજૂઆત કરી હતી.

બીજી બાજુ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા નરહરિ અમીન ભાજપમાં આવી ગયા હતા. સોમવારે તેઓ પણ દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળ્યા હતા. સૂત્રો જણાવે છે કે તેઓને કોઇ સારા વિસ્તારમાંથી વિધાનસભાની ટીકિટ ફાળવાશે. તેઓએ બંને નેતાઓ સાથે ચૂંટણીના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરી હતી. વિશેષમાં અમિત શાહ ૨૯-૩૦ માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોઈ, રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. તેઓ ૩૧મી માર્ચે નવી દિલ્હી જવા તવાના થશે. જો કે તેમની મુલાકાતને પગલે ચૂંટણી વહેલી યોજાશે કે સમયસર તેનો અંદાજ આવી જશે.
Next Article