મુંબઇ જતી લકઝરી બસ વડોદરા શહેર નજીક જાંબુવા બ્રિજ પર ટાયર ફાટતાં બ્રિજની રેલિંગ ઉપર લટકી ગઈ ગઇ હતી. 65 મુસાફરો ભરેલી લકઝરી બસ બ્રિજના બે ભાગની વચ્ચે જ રેલિંગ ઉપર લટકી જતાં મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. અકસ્માતને પગલે મુસાફરોએ ચચીસાચીસ કરી મુકતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. આ ઘટનામાં ક્લિનર સહિત ત્રણ મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
લકઝરી બસનું ટાયર ફાટતા જ બ્રિજની રેલીંગમાં ધડાકાભેર ભટકાઇને લટકી ગઇ હતી. મોડી રાત્રે લગભગ 11-30 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. લકઝરી બસને અકસ્માત નડતાં જ મુસાફરોએ ચચીસાચીસ કરી મૂકી હતી. અકસ્માતને પગલે મુંબઇથી અમદાવાદ તરફ અને અમદાવાદથી મુંબઇ તરફ જતાં નાના-મોટા વાહનોની લાંબી કતારો શરૂ થઇ ગઇ હતી. બીજી બાજુ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરત જ લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. રેલિંગ ઉપર લટકી ગયેલી લકઝરી બસમાં ફસાઇ ગયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ ઘટના બનતા 108 એમ્બ્યુલન્સો પણ સ્થળ પર આવી પહોંચી હતી. ઘટનામાં ઇજા પામેલા લોકોને વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.