ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૃ, દાવેદારો સાથે બેઠક યોજાશે

Webdunia
સોમવાર, 20 માર્ચ 2017 (13:16 IST)
યુપીના પરિણામો બાદ ગુજરાતમાં ગમે તે ઘડીએ વિધાનસભાની ચૂંટણી આવી પડે તેમ છે તેવી રાજકીય ગલિયારીમાં વાતો વહેતી થઇ છે ત્યારે કોંગ્રેસે મૂરતિયા શોધવા ધમધમાટ શરૃ કર્યો છે. સોમવારે ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હોલમાં કોંગ્રેસ વતી વિધાનસભાની ટિકીટ મેળવવા ઇચ્છુક દાવેદારોની એક બેઠક બોલાવાઇ છે. દર વખતની જેમ આ વખતે પણ ટિકિટ મેળવવા અંદરોઅંદરની ખેંચતાણ ન થાય તે માટે કોંગ્રેસે આ દાવેદારોને સારા ઉમેદવારની શોધ માટ એક પ્રયાસ કર્યો છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મેદાને ઉતરવા કોંગ્રેસના ૧૫૪૦ દાવેદારોને બુથયાદી સાથે દાવેદારી નોંધાવી છે. ૧૮૨ બેઠકો માટે કોંગ્રેસે ભાજપ સામે લડી શકે તેવા મજબૂત ઉમેદવારો શોધવાની પ્રક્રિયા શરૃ કરી છે ત્યારે સોમવારે ગુજરાત યુનિવર્સિટી હોલમાં પ્રદેશ પ્રભારી ગુરૃદાસ કામત સહિત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતીમાં દાવેદારો સાથે વાતચીત કરાશે સાથે સાથે અંદરોઅંદરની ખેંચતાણને બદલે એકસંપ થઇને ચૂંટણી જીતવા અપીલ કરાશે. ટિકીટની વહેંચણીના અસંતોષનો ભાજપ રાજકીય લાભ ઉઠાવવા ઉત્સુક છે ત્યારે કોંગ્રેસ પણ અગમચેતીના ભાગરૃપે દાવેદારોને જ સમજાવવા પ્રયાસો કર્યાં છે . યુપીના પરિણામો બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં હતાશા ન વ્યાપે તે દિશામાં પણ કોંગ્રેસે તૈયારીઓ કરી છે. નવાજોમ-ઉત્સાહ સાથે ભાજપ સરકાર સામે પ્રજાલક્ષી પ્રશ્નો સાથે આંદોલન-વિરોધ પ્રદર્શન કરવા નક્કી કરાયું છે. ચૂંટણીમાં બૂથ મેનેજમેન્ટને વધુ મજબૂત કરવા આયોજન ઘડાયું છે.
Next Article