ગુજરાત ભાજપા ચૂંટણીઓ માટે સંપૂર્ણ સજ્જ છે- વિજય રૂપાણી

Webdunia
બુધવાર, 15 માર્ચ 2017 (10:12 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત ચૂંટણીઓ માટે સંપૂર્ણ સજ્જ છે અને વર્તમાન બેઠકો કરતાં અવશ્યપણે વધારે બેઠકો મેળવશે જ.  રૂપાણીએ ગાંધીનગરમાં મિડીયા-પત્રકારો સાથેની અનૌપચારીક વાતચીતમાં કહ્યું કે, તાજેતરની ઉત્તરપ્રદેશની ચૂંટણીઓનું પરિણામ રાજકીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ બની ગયું છે. 

આઝાદી પછીના ભારતના ઇતિહાસમાં સૌથી મોટા રાજ્યમાં ૪૦૩ બેઠકોમાંથી ૩રપ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ વિકાસની રાજનીતિનો પ્રચંડ જનાદેશ છે. તેમણે ઉમેર્યુ કે, સમગ્ર દેશમાં ભાજપાની તરફેણમાં વાતાવરણ યુ.પી. ભાજપામય થઇ ગયું છે તેનો લાભ ગુજરાતને પણ મળવાનો જ છે. તેમણે કહ્યું કે, યુ.પી.ની જનતા જર્નાદનનો આ મિજાજ કે આવેશ ક્ષણિક નથી. પરંતુ ભાજપાની તરફેણ, કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારના જનહિત પગલાંઓ, એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયોને પરિણામે લાંબાગાળાની અસર કરનારો બનશે. 

આ સંદર્ભમાં વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આ વાયુમંડલનો અને ૧૯૯૮ થી ભાજપા સરકારોએ ઉત્તરોત્તર કરેલા વિકાસના કાર્યોનો લાભ ભાજપાને મળશે અને ચૂંટણીઓ ડિસેમ્બર-ર૦૧૭માં તેના નિયત સમયે થાય કે વહેલી થાય તો પણ ભાજપા ૧પ૦થી વધુ બેઠકો પર વિજયી થશે જ.  વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં ૩રપ બેઠકોના ભવ્ય વિજય પછી ગુજરાતમાં ૧પ૦થી વધુ બેઠકો પર જિત માટે ભાજપા કાર્યકર્તાઓ ‘‘યુ.પી.માં ૩૦૦-ગુજરાતમાં ૧પ૦ના સૂત્ર’’ સાથે સંકલ્પબધ્ધ બન્યા છે. ઉત્તરપ્રદેશના ભવ્ય વિજયને પગલે દેશભરના જન-જનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના કરિશ્મા અને તેમના પ્રત્યેની આસ્થા-શ્રધ્ધા વધુ મજબૂત બની છે તેમ આ વિજયનો શ્રેય તેમના નેતૃત્વને આપતાં જણાવ્યું હતું.  વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની રણનીતિ, કાર્યકર્તાઓને મોટીવેટ કરવાની તેમની કાર્યશૈલીને યુ.પી.ની જનતા જર્નાદનનો સાથ મળ્યો અને જ્ઞાતિ-જાતિ-ધર્મ આધારિત ચૂનાવને સ્થાને વિકાસની રાજનીતિનો જનાધાર ભાજપાને પ્રાપ્ત થયો છે.  તેમણે એમ પણ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અઢી વર્ષમાં દેશના સર્વાંગી વિકાસ માટે પ્રમાણિકતાથી જે કાર્યો કર્યા છે અને હજુ વધુ સમય દિલ્હીમાં બેઠા બેઠા તેઓ અનેક વિકાસકામો કરવાના છે તેની પરિપાટીએ ભાજપાનો જનાધાર અને નરેન્દ્રભાઇનો કરિશ્મા વધતા જ રહેશે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં એન્ટી ઇન્કમબન્સી ફેકટરની કોઇ જ અસર થશે નહિ તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કરતાં જણાવ્યું કે અત્યાર સુધીમાં સરપંચથી લઇને વિધાનસભા, નગરપાલિકાની ચૂંટણીઓમાં, પેટાચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો જ છે એ જ પૂરવાર કરે છે કે ગુજરાતની જનતા જર્નાદન ભાજપા સાથે છે અને રહેવાની છે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે, અમે અમારા શાસનમાં કોઇ એવું કામ કે ખોટું કર્યુ નથી જેથી પ્રજા વર્ગો નારાજ થાય. અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં વિકાસના કામોની વણઝાર પ્રજા સમક્ષ છે જ એટલે નારાજગીનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.  મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દેશનું શ્રેષ્ઠ નેતૃત્વ છે અને ગુજરાતમાં તો તેઓ પાર્ટીના સ્થંભ છે એથી સ્વાભાવિકપણે ચૂંટણીઓમાં એમના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ અવશ્ય પણે મળવાનો જ છે. તે સાથે એમ પણ કહ્યું કે ગુજરાતમાં ગૌવંશ હત્યાનો કાયદો વધુ કડક બનાવવા અને અપરાધીને સખ્તાઇથી સજા થાય તે માટે વિધાનસભાના આ સત્રમાં વિધેયક-કાયદો રાજ્ય સરકાર લાવશે. 
Next Article