અમદાવાદના લાલ દરવાજા ભદ્રકાળી મંદિરે ઐશ્વર્યા મજમુદારના સ્વરના તાલે ખેલૈયાઓની રાસની રમઝટ

Webdunia
શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (10:21 IST)
7 ઓક્ટોબરથી આસો સુદ એકમ સાથે નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે આજે પ્રથમ નોરતે નગરદેવા ભદ્રકાળીના ચોકમાં ઐશ્વર્યા મજમુદારના સ્વરના તાલે ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. પ્રથમ નોરતે શહેરમાં શેરીએ શેરીએ ગરબાના આયોજન કરાયા છે. 400 લોકોની મર્યાદામાં શેરી ગરબા યોજાઈ રહ્યા છે. ભદ્રકાળી મંદિર પરિસરમાં ઐશ્વર્યા મજમુદારની સંગતમાં શેરી ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં DP કેમ્પસ નિર્ણયનગર ગ્રુપના 60 ખેલૈયાઓ દ્વારા ગરબા રમવા આવ્યા હતા. ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને તેઓએ ગરબા રમ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓએ ગરબા નિહાળ્યા હતા.ગત વર્ષે ખેલૈયાઓ ગરબે ઘૂમી શક્યા નહોતા. જો કે આ વખતે શેરી ગરબાની મંજૂરી મળી છે. જેથી ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમવા તૈયારી કરી લીધી છે. ખેલૈયાઓએ રોજ રોજ શેરીમાં ચાર ચાંદ લગાવી દેવા માટે અવનવા આયોજનો કર્યા છે. જેમાં રોજ રોજના ડ્રેસ પ્રમાણે ટેમ્પરરી ટેટૂ પણ ચિતરાવીને ગરબે રમવાનું આયોજન કર્યું છે.કોરોનાની અસર ઓસરતાં જ સરકારે 400 લોકો સાથે શેરી ગરબાની મંજૂરી આપી છે. અમદાવાદમાં હવે શોપિંગ મોલ,થિયેટરો, કલબ,કોમર્શિયલ કોમ્પલેક્ષ,પાર્ટી પ્લોટ,ધાર્મિક સ્થળો,પર્યટન સ્થળો અને મોટી સોસાયટીઓમાં વેક્સિનેશન વગર પ્રવેશ મળશે નહી. તેવી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે. જો કે આ તમામ કોમર્શિયલ એકમો અને સોસાયટીના જવાબદાર લોકોએ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવાનું રહેશે. તે ઉપરાંત કોર્પોરેટરોએ પણ રાત્રે ઉજાગરા કરીને ખેલૈયાઓનું વેક્સિનેશન ચેક કરવું પડશે.

સંબંધિત સમાચાર

Next Article