વિધાનસભાની ચૂંટણી વખતે પણ કહ્યું હતું મને તક મળશે તો 2024માં ભરૂચથી લોકસભાની ચૂંટણી લડીશ
ગુજરાત કોંગ્રેસના ચાણક્ય કહેવાતા સ્વ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે આગામી લોકસભાની ચૂંટણીને લઈને મોટી વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, પક્ષ કહેશે તો ચોક્કસ ચૂંટણી લડશે. ભરૂચ બેઠક પરથી કોંગ્રેસ ટીકિટ આપશે તો ચૂંટણી લડશે. આ પહેલાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે કહ્યું હતું કે, હજી ઘણી બધી બાબતો છે જેનું અવલોકન કરીશ તેને સમજીશ અને પછી લોકોની વચ્ચે જઈશ. પિતાની કર્મભૂમિ હોવાથી હું ભરૂચ આવી છું અને લોકો સાથે સંપર્ક કરી રહી છું. મને તક મળશે તો 2024માં ભરૂચથી લોકસભાની ચૂંટણી લડીશ.
સમય આવશે ત્યારે રાજ્યસભામાં પણ જઇશું
મુમતાઝ પટેલે કહ્યું કે તેમના પિતાને રાજકારણનો 40 વર્ષનો બહોળો અનુભવ હતો. રાજકરણમાં સક્રિય થઈને તરત રાજ્યસભામાં જવું યોગ્ય નથી. કોંગ્રેસ પાર્ટી કહેશે તો તેઓ ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડીશ અને સમય આવશે ત્યારે રાજ્યસભામાં પણ જઇશું. તેમણે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. હવે અહેમદ પટેલની પુત્રી મમુતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ રાજકારણમાં સક્રિય થઈ રહ્યાં છે.
અગાઉ અહેમદ પટેલના પુત્રએ ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી
આ પહેલા પણ કોંગ્રેસના દિવગંત નેતા અહેમદ પટેલના પુત્રએ ટ્વિટ કરીને કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ફૈઝલ પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસથી નારાજગી વ્યક્તિ કરી હતી. તેમણે ટોચની લીડરશિપ સામે નારાજગી દર્શાવીને એમ પણ લખ્યું હતું કે જવાબદારી અંગે રાહ જોઇને હું થાક્યો. ઉપરી નેતાગીરી તરફથી કોઇ પ્રોત્સાહન પણ ન મળતુ હોવાનો ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે અન્ય વિકલ્પ પણ ખુલ્લા હોવાની વાત લખી હતી.
ફૈઝલ પટેલે ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી
ત્યાર બાદ ફૈઝલ પટેલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો ફોટો તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુક્યો હતો. ત્યાર બાદ આ મુલાકાતનો ફોટો પણ વાયરલ થયો હતો. ફૈજલ પટેલના સમર્થકોમાં ચર્ચાઓ હતી કે, તેઓ કોગ્રેસથી નારાજ છે, તેમને પાર્ટીમાં કોઇ હોદ્દો કે જવાબદારી આપવામા આવી રહી નથી. ફોટો વાયરલ થયા બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.