રાજ્યભરમાં તબીબોની વિવિધ માગણીઓને લઈને હડતાળ ચાલી રહી છે. ત્યારે રાજ્ય સરકાર હડતાળિયા ડોક્ટરો સામે ઝૂકી છે. રાજ્ય સરકારે ડોક્ટરોની માંગણીઓ સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. હવે રાજ્યના સરકારી ડોક્ટરોને 1 જૂન 2019થી 20 ટકા NPPA ચુકવાશે. તે ઉપરાંત એરીયર્સની રકમ પાંચ સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે. જ્યારે બેઝીક અને NPPAની મહત્તમ મર્યાદા ભારત સરકાર મુજબ રૂા.2 લાખ 37 હજાર 500 રૂપિયા નિયત કરાઈ છે. તજજ્ઞ સેવા વર્ગ-1 ના કરારીય / બોન્ડેડ તજજ્ઞોને માસિક ફીકસ વેતન 84 હજારથી વધારીને હવે 95 હજાર અપાશે. તેમજ કરારીય અથવા બોન્ડેડ MBBS તબીબોને માસિક ફીકસ વેતન 63 હજારથી વધારીને 75 હજાર કરાયું છે. હવે ડોક્ટરોની હડતાળનો અંત આવી શકે છે.
એરીયર્સની રકમ પાંચ સરખા હપ્તામાં ચૂકવાશે
આ સંદર્ભે અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે,તબીબોના NPPAની માંગણી સંદર્ભે સરકારે 1 જૂન 2019 થી 20 ટકા NPPAની ચુકવણીનો નિર્ણય કર્યો છે. એરીયર્સની રકમ પાંચ સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે. જેમાં પ્રથમ હપ્તો એપ્રિલ-2022, બીજો હપ્તો ઓકટોબર-2022, ત્રીજો હપ્તો એપ્રિલ-2023,ચોથો હપ્તો ઓકટોબર-2023 અને પાંચમો હપ્તો એપ્રિલ-2024 ના રોજ ચૂકવવામાં આવશે.