આગામી સપ્તાહથી વરસાદના ચોથા રાઉન્ડની શક્યતા, રાજ્યમાં ત્રણ રાઉન્ડમાં 71.67 ટકા વરસાદ ખાબક્યો

Webdunia
બુધવાર, 26 જુલાઈ 2023 (09:32 IST)
IMDના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહથી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના 
 
રાજ્યના કુલ 207 જળાશયોમાં 64.97 ટકા પાણીનો જથ્થો, 206 જળાશયો પૈકી 87 જળાશય હાઈએલર્ટ
 
 
Gujarat Rain - ગુજરાતમાં ત્રણ રાઉન્ડમાં વરસાદે જળબંબાકાર કરી નાંખ્યું છે. જૂનાગઢ, નવસારી અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મોટુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે હવામાન વિભાગે આવતા સપ્તાહથી વરસાદના ચોથા રાઉન્ડની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીના ત્રણ રાઉન્ડમાં 71.67 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં કચ્છ ઝોનમાં 132 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 2022ના વર્ષમાં રાજ્યમાં 66.06 ટકા વરસાદ હતો જેમાં કચ્છ ઝોનમાં 116 ટકા વરસાદ હતો. એટલે કે આ વખતે સાડા પાંચ ટકા વધુ વરસાદ રાજ્યમાં ખાબકી ચૂક્યો છે. 
 
સરદાર સરોવર ડેમમાં 70 ટકા જેટલો પાણીનો સંગ્રહ 
ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યમાં ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ અને તેના માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કરાયેલી તૈયારીઓ અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.
રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અને આગાહી અંગે માહિતી આપતા IMDના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારી દ્વારા સરદાર સરોવર ડેમમાં 70 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો હોવાની માહિતી આ૫વામાં આવી હતી. 
 
119 જેટલા જળાશયો 70 ટકાથી વધુ ભરાયેલા
સિંચાઇ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયો અંગે માહિતી આ૫તા જણાવ્યું હતું કે, રાજ્યના 206 જળાશયો પૈકી 87 જળાશય હાઈએલર્ટ, 16 જળાશય એલર્ટ અને 15 જળાશય વોર્નિંગ પર છે. આમ, સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશય પૈકી 119 જેટલા જળાશયો 70 ટકાથી વધુ ભરાયેલા છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ. ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, તેમજ તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
 
રાજ્યના કુલ 207 જળાશયોમાં 64.97 ટકા પાણીનો જથ્થો
રાજ્યમાં ઝોન પ્રમાણે ત્રીજા રાઉન્ડના વરસાદની સ્થિતિ જોઈએ તો, કચ્છ ઝોનમાં 132.37 ટકા, ઉત્તર ગુજરાતમાં 61.02 ટકા, મધ્ય ગુજરાતમાં 55.30 ટકા, સૌરાષ્ટ્રમાં 105.05 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા વરસાદ નોંધાયો છે. ત્રણ રાઉન્ડમાં સૌથી ઓછો વરસાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં નોંધાયો છે. જ્યારે ઝોન પ્રમાણે જળાશયોની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 65.55, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42.44, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 60.20, કચ્છના 20 જળાશયોમાં 67.05 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 80.87 ટકા પાણીનો જથ્થો છે. એમ રાજ્યના કુલ 207 જળાશયોમાં 64.97 ટકા પાણીનો જથ્થો છે.

સંબંધિત સમાચાર

Next Article