માસિક ધર્મના આધારે મહિલાઓ સાથે ભેદભાવ ના થવો જોઈએ, આવી પ્રવૃત્તિ સામે રાજ્ય સરકાર ઝુંબેશ ચલાવેઃ હાઈકોર્ટ સરકારને નોટીસ ફટકારી

Webdunia
મંગળવાર, 9 માર્ચ 2021 (19:29 IST)
હેલ્થવર્ક્સ અને આંગણવાડીની મહિલાઓને આ માનસિકતાની જાગૃતિ અંગે કામ સોંપવામાં આવેઃ હાઈકોર્ટ
શાળાઓના અભ્યાસક્રમમાં પણ આ બાબતનો સમાવેશ થવો જોઇએ
 
કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ  કોલેજની હોસ્ટેલમાં છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ  અંગે તપાસ કરવામા આવી હતી. આ મામલે છાત્રાઓએ વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ આ અંગે થયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી છે કે, માસિક ધર્મની પરિસ્થિતિના આધારે કોઇપણ જાહેર, ખાનગી, ધાર્મિક કે શૈક્ષણિક જગ્યા પર મહિલાઓને બાકાત રાખવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે. કોર્ટે આ અંગે નોટિસ પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.
રાજ્ય સરકારે ઝુંબેશ ચલાવવી જોઇએ
 
આ અંગેની જાહેર હિતની અરજીમાં સુનાવણી કરતા  સોમવારે જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ જે. વોરાની ખંડપીઠે નિર્દેશ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, માસિક ધર્મની પરિસ્થિતિના આધારે મહિલાઓને કોઇપણ સ્થળે બાકાત કરવાની પ્રવૃત્તિ સામે રાજ્ય સરકારે ઝુંબેશ ચલાવવી જોઇએ. જાહેર સ્થળો પર પોસ્ટર દ્વારા તેનો પ્રચાર કરવો જોઇએ. સાથે હેલ્થવર્ક્સ અને આંગણવાડીની મહિલાઓને આ માનસિકતાની જાગૃતિ અંગે કામ સોંપવામાં આવે. આ ઉપરાંત ટકોર કરતા વધુ માં જણાવ્યું હતું કે, શાળાઓના અભ્યાસક્રમમાં પણ આ બાબતનો સમાવેશ થવો જોઇએ. 
 
સમાજની મોટી ઉંમરની મહિલાઓ ચર્ચા કરતા ખચકાય છે
આપણા સમાજની મોટી ઉંમરની મહિલાઓ આ અંગે ચર્ચા કરવામાં ખચકાય છે. જેના કારણે કિશોરીઓ કે યુવતીઓ પાસે આ અંગેનું જ્ઞાન ઓછું હોય છે. જોકે, ખંડપીઠે એ પણ કહ્યું હતું કે, આ નિર્દેશો અને અવલોકનો પ્રથમ દર્શયની છે. કોઇ યોગ્ય આદેશો જારી કરતા પહેલાં અમે રાજ્ય અને કેન્દ્ર સરકારનો જવાબ સાંભળવા માગીએ છીએ. અમે ખૂબજ નાજુક મુદ્દાને સંબોધી રહ્યા છીએ, તેથી તમામ પક્ષકારો તેમનો પક્ષ રજૂ કરે અને ચર્ચા થાય તે જરૂરી છે.મહત્વનું છે કે આ PILની સુનાવણી 26 તારીખે થઈ હતી ત્યારબાદ 8 માર્ચે કોર્ટે ઓર્ડર જાહેર કર્યો છે અને આગામી સુનાવણી 30 માર્ચે હાથ ધરવામાં આવશે.
 
શું હતો આખો મામલો
કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામા આવી હતી. આ મામલે સંચાલકોએ છાત્રાઓ પર દબાણ લાવીને આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ છાત્રાઓની માંગણી હતી કે, આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. છાત્રાઓના કહેવા પ્રમાણે તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી હતી. સાથે જ એવી પણ ધમકી આપવામાં આવી હતી કે, આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવશે. જો કોઈને મંજૂર ન હોય તો કૉલેજ કે હૉસ્ટેલ છોડીને જઈ શકે છે. 
વિદ્યાર્થીનીઓએ શું આક્ષેપ કર્યો હતો
છાત્રાઓના આક્ષેપ પ્રમાણે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. જે બાદમાં માસિક ધર્મ અંગે પૂછપરછ કરીને એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જઈને તેમની તપાસ કરવામાં આવી હતી. આ મામલે કૉલેજની તમામ વિદ્યાર્થિનીઓએ વિરોધ કરતા સંચાલકોએ અમુક વિદ્યાર્થિનીઓને ઑફિસમાં બોલાવી હતી અને ઇમોશનલ બ્લેકમેલ કરીને આ વાતને પૂરી કરવાનું કહ્યું હતું. વિદ્યાર્થિનીઓને કહેવા પ્રમાણ તેમને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી લખાણ પણ લખાવી લીધું હતું. સાથે જ સંચાલકોએ છાત્રાઓને એવું પણ કહ્યું હતું કે જો તમને અમારા પ્રત્યે લાગણી હોય તો આવું ન કરો. પગલાં લેવાની વાત ન કરો.

સંબંધિત સમાચાર

Next Article