સુરતમાં પાંચ વર્ષ અગાઉ સામે આવેલાં રૂપિયા પાંચ હજાર કરોડના બોગસ એક્સપોર્ટ સ્કેન્ડલમાં સંડોવાયેલાં આરોપી મદનલાલ જૈનની રૂપિયા 7.63 કરોડની પ્રોપર્ટી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ જપ્ત કરી છે. આ કાંડમાં મદનલાલ જૈન સામે ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ કરી હતી. આ એટેચમેન્ટ સાથે ત્યાર સુધી 37 કરોડની સંપત્તિ સિઝ કરી છે. EDના સૂત્રોએ આપેલી માહિતી મુજબ હીરાનું પેમેન્ટ કરવાના નામે રૂપિયા વિદેશ મોકલીને હવાલાનું સમગ્ર રેકેટ ચલાવનારા મૂળ મુંબઇના આરોપી મદનલાલ જૈનની ઇડી અને બાદમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ કેસમાં રિકવરીની પ્રોસેસ હવે શરૂ થઈ ગઈ છે અને તેના અનુસંધાનમાં જ મુંબઇ અને અમદાવાદ ઇડીએ મળીને શહેરના કતારગામ ખાતે મદનલાલ જૈનના આવેલાં કુલ ત્રણ હજાર સ્કવેર ફૂટથી વધુ વિસ્તારના 15 પ્લોટ સિઝ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આરોપી સામે પીએમએલએ( પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.