ઈન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા દસ દિવસ અગાઉ કુબેરજી ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં આજે અધિકારીઓ જ્યારે ભાગીદાર જયંતિ પટેલનું સ્ટેટમેન્ટ લઇ રહ્યા હતા ત્યારે તેમને હ્રદય રોગનો હુમલો થતાં તેમને ચાલુ સ્ટેટમેન્ટમાં હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી હતી. મોડી સાંજે તેમને મહાવીર હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.જયંતિ પટેલના પુત્ર સન્ની પટેલે આવકવેરા અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો કે ‘ સ્ટેટમેન્ટ દરમિયાન ભારે દબાણ કરવામાં આવ્યુ હતુ. જેથી તબિયત બગડી હતી. જયંતિ પટેલને હાર્ટ એટેક આવ્યો હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતાં મોડી રાત્રે મહાવીર હોસ્પિટલ ખાતે કુબેરજી ગ્રુપ સાથે સંકળાયેલાં બિલ્ડર અને તેમના સગા સંબંધી ઉપરાંત મિત્રવર્તૂળ પહોંચી ગયુ હતુ. કહેવાય છે કે જયંતિ પટેલના ત્યાંથી ઢગલાબંધ જમીનને લગતા ડોક્યુમેન્ટ મળી આવ્યા હોવાથી તેમને સ્ટેટમેન્ટ લેવા માટે બોલાવાયા હતા. અધિકારીઓ ડોક્યુમેન્ટ, સાટાખત, દસ્તાવેજ વગેરે અંગે માહિતી મેળવવા માગતા હતા એટલે જયંતિ પટેલને સ્ટેટમેન્ટ માટે બોલાવાયા હતા. આ મુદ્દે તેમના પુત્ર સન્ની પટેલે કહ્યું હતું કે ‘ અમને સ્ટેટમેન્ટ માટે મજૂરાગેટ ખાતે આવેલી ઇન્કમટેક્સ કચેરી બોલાવાયા હતા. હું પિતાની સાથે ગયો અને એડિશનલ કમિશનર અનિલ ભારદ્રાજ દ્વારા સ્ટેટમેન્ટ લેવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે સાડા ત્રણ વાગ્યા હતા. સ્ટેટમેન્ટ સતત પાંચ કલાક ચાલ્યુ હતુ અને સાડા આઠ વાગ્યાના અરસામાં પિતા અચાનક જ કુરશી પરથી ઢળી પડયા હતા. એટલે હું તેમને લઇને સીધો લીફ્ટ સુધી ભાગ્યો હતો અને ત્યાંથી શંખ્શ્વર કોમ્પલેક્સની એક હોસ્પિટલ લઇ ગયો હતો, જ્યાંથી ડોકટરે મહાવીર લઇ જવાનું કહ્યુ હતુ. હાલ પિતા આઇસીયુમાં છે. અમને સ્ટેટમેન્ટ દરમિયાન અમને એવા સવાલ કરાયા હતા જેના જવાબ જ અમારી પાસે નથી. જબરદસ્તી બધુ જ અમારુ છે એવી કબૂલાત કરવાનું દબાણ કરાયુ હતુ. અમને સતત ત્રીજા દિવસે સ્ટેટમેન્ટ માટે બોલાવાયા હતા. રોજ છ કલાક સ્ટેટમેન્ટ ચાલે છે. તપાસ સાથે સંકળાયેલાં એડિશનલ કમિશનર અનિલ ભારદ્વાજે કહ્યુ કે ‘ જે ડોક્યુમેન્ટ મળ્યા છે તે અંગે સ્ટેટમેન્ટ ચાલી રહ્યુ હતુ. જે કાગળો મળ્યા છે તેમાં ટૂંકા નામ લખ્યા છે. નંબર લખ્યા છે તેની વિગતો પુછવામાં આવી હતી. કેટલીક જગ્યાએ 140 કરોડનો ઉલ્લેખ છે. બીજીવાર પણ આ ફિગર આવે છે એટલે અમે પુછતા હતા કે આ એક જ વ્યવહાર છે કે બે અલગ-અલગ છે. જો તેઓ એમ કહી દે કે એક જ છે તો મામલો ત્યાં પુરો થાય નહીં તો અમે બે અલગ-અલગ ગણીએ તો તે 300 કરોડની નજીક પહોંચી જાય. આમા નુકશાન બિલ્ડરને જ છે.